અમદાવાદ : ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદી અને શહેરનાં તળાવોને પ્રદૂષણથી બચાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં 38 સ્થળોએ કુલ 47 કૃત્રિમ કુંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઝોન-વોર્ડ કક્ષાએ આ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવશે.નાગરિકોને કુદરતી જળાશયોમાં મૂર્તિ વિસર્જન કરવાના બદલે આ કુંડનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આયોજન મુજબ શહેરના 7 ઝોનમાં કુંડની સંખ્યા અલગ અલગ રાખવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 8, દક્ષિણ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 11, ઉત્તર પશ્ચિમમાં 5 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4 કુંડ બનાવાશે. કુંડ માટે વસ્ત્રાલ, નિકોલ, નારણપુરા, સાબરમતી, નવરંગપુરા, રાણીપ, પાલડી, ચાંદખેડા, સૈજપુર, સરદારનગર, વટવા, મણિનગર, લાંભા, શાહીબાગ, જમાલપુર, બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, જોધપુર અને સરખેજ સહિતના સ્થળો નક્કી કરાયા છે.
AMC દ્વારા કૃત્રિમ કુંડની કામગીરી દરમિયાન HDPE લાઇનર, બેરિકેડિંગ, નિયમિત સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સૂચના આપવામાં આવી છે. સફાઈ દિવસમાં બે વખત કરાશે. આગ-અકસ્માતની સ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ અને સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં પરવાનગી વિના મૂર્તિ વિસર્જન તેમજ નિર્માલ્ય નદીમાં ફેંકવા પર પ્રતિબંધ રહેશે. ભીડ નિયંત્રણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવશે.
ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદીની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે નદીમાં પરવાનગી વગર ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા પર સખત પ્રતિબંધ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં મૂર્તિ વિસર્જન ઉપરાંત નિર્માલ્ય કે અન્ય પૂજા સામગ્રી નદીમાં ફેંકવા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો કુદરતી જળાશયોના બદલે એએમસી દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ વિસર્જન કુંડનો ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.


