અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે લાલદરવાજા વિસ્તારમાં ખાસ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રોડ પર દબાણો નહીં ચલાવાય લઈને નીતિ સાથે દબાણો દૂર કરવાથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પોલીસની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનની મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના લાલ દરવાજા વિસ્તારમાં જિલ્લા પંચાયત આસપાસ પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અને બહુમાળી ભવનની આસપાસના વિસ્તારોમાં સ્કુલ બેગ, ટોપીવાળા, પોસ્ટરો અને સ્ટેશનરી સહિતની અલગ અલગ વસ્તુઓ તેમજ લારીઓ ઉભી આખી દબાણ ઊભું કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી અને તેમનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લાલ દરવાજા વિસ્તારમાં જિલ્લા પંચાયત અને ભદ્રની આસપાસના દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
મધ્ય ઝોનમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ, કાલુપુર અને લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે સવારે લારીઓ ગલ્લા અને સામાન સહિતની વસ્તુઓ લઇ અને દબાણો હટાવી દેવામાં આવે છે, પરંતુ જ્યારે દબાણની ગાડીઓ ત્યાંથી નીકળી જાય ત્યારબાદ ફરીથી દબાણો આવી જતા હોય છે, ત્યારે હવે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પાથરણા અને કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિ વેપારી 150 થી 200 રૂપિયા રોજનું ભરણ આપતા હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ચર્ચા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર- રખિયાલ વોર્ડમાં ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના રસ્તાને પહોળો કરવા માટે રોડ લાઈનમાં આવતા દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. 700 મીટર લંબાઈના રોડને 30.50 મીટરની પહોળો કરવા માટે રોડલાઈનમાં આવતા બિન રહેણાંક (કોમર્શિયલ) પ્રકારના કુલ 83 બાંધકામોને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવ્યા છે.


