અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને ધ્યાનમાં રાખીને મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં વધારાની બસો, કન્ટ્રોલર તથા ફ્લાઈંગ ટીમોની તૈનાતી કરીને નાગરિકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી પહોંચાડવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ, AMC દ્વારા રાણીપ GSRTC બસ સ્ટેશન ખાતે 2 કન્ટ્રોલરોને ફરજ પર મૂકવામાં આવ્યા છે અને મુસાફરોની વધતી જરૂરિયાત મુજબ 2 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો મુસાફરોને ઇન્કમટેક્સ, નટરાજ, પાલડી, ગીતામંદિર અને કાલુપુર જેવા મુખ્ય ટ્રાન્ઝિટ કેન્દ્રો સુધી પહોંચાડશે. આ ઉપરાંત, રાણીપ સ્ટેશન પાસેથી પસાર થતા વિવિધ રૂટોની આશરે 90 બસો મુસાફરોને કાલુપુર, મણિનગર, લાલદરવાજા, વાસણા અને પાલડી સહિતના વિસ્તારો સુધી સેવા આપશે.
સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 1 સ્પેર ડ્રાઇવર અને ફ્લાઈંગ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કાલુપુર અને મણિનગર જવા માટે 2 વધારાની બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વિસ્તારના અન્ય રૂટ પર ચાલતી આશરે 28 બસો પણ મુસાફરોને સેવા આપશે.
વટવા રેલવે સ્ટેશન ખાતે 1 કન્ટ્રોલરની નિમણૂક કરીને 2 વધારાની બસો મૂકવામાં આવી છે, જે ગીતામંદિર મારફતે કાલુપુર અને મણિનગર સુધી મુસાફરોને લઈ જશે. સાથે જ, આ વિસ્તારથી ઉપડતા રૂટોની 8 બસો ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી પહોંચાડવાની કામગીરી કરશે. શહેરના મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ એવા ગીતામંદિર ખાતે ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે, જ્યાંથી વિવિધ રૂટોની બસો દર 15 થી 20 મિનિટે શહેરના વિવિધ વિસ્તારોમાં દોડશે.
કાલુપુર રેલવે સ્ટેશન ખાતે સારંગપુર કેબિન કન્ટ્રોલર 2 ફ્લાઈંગ ટીમો સાથે હાજર રહેશે અને મુસાફરોની સુવિધા માટે 4 વધારાની બસોની વ્યવસ્થા કરાઈ છે. કાલુપુર વિસ્તારમાંથી પસાર થતા વિવિધ રૂટોની 50 થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સુધી મુસાફરોને પહોંચાડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાના કારણે ઓટો રિક્ષા ચાલકોની હડતાળના સમયમાં પણ જાહેર પરિવહનની સુવિધા અવિરત મળી રહેશે. શહેરના વિવિધ વિસ્તારો વચ્ચેની અવરજવર પર ન્યૂનતમ અસર થાય તે માટે પૂરતા પ્રમાણમાં માનવબળ અને બસોની તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવી છે.


