અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરોએ દહેશત મચાવી છે. થલતેજ વિસ્તારમાં સ્કૂલેથી છૂટીને માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહેલી 12 વર્ષીય બાળકી આરાધ્યા બારોટનું ડમ્પરની ટક્કરે કરુણ મોત નીપજ્યું છે. ડમ્પરચાલકે માતા-પુત્રીને અડફેટે લેતાં માતાની નજર સામે જ દીકરીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે નાના ભાઈને ઈજા પહોંચી છે. નોંધનીય છે કે, આ ડમ્પરે અગાઉ પણ એક અકસ્માતમાં બે લોકોનો જીવ લીધો હતો.
રિપોર્ટ મુજબ, થલતેજ મેટ્રો સ્ટેશન નીચેના માર્ગ પરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે એક્ટિવા પર માતા, આરાધ્યા અને તેનો નાનો ભાઈ જઈ રહ્યા હતા. ડમ્પરની અડફેટે 12 વર્ષની આરાધ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ એસ.જી. 1 ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચાલકની ધરપકડ કરી ડમ્પર જપ્ત કર્યું છે,અકસ્માત કેવી રીતે સર્જાયો, ડમ્પરની ગતિ કેટલી હતી, ચાલકની બેદરકારી હતી કે કેમ અને ઘટનાના સમયે રસ્તાની સ્થિતિ શું હતી તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ જ ડમ્પરે અગાઉ પણ બે નિર્દોષ લોકોનો જીવ લીધો હતો, છતાં રોડ પર દોડતું હતું.ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને અકસ્માતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરમાં દિવસે પણ બેફામ દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ કડક ઝુંબેશ ચલાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


