અમદાવાદ : અમદાવાદના એસ.જી. હાઇવે કર્ણાવતી ચાર રસ્તા પાસે ગત 22 ઓક્ટોબરે સવારે BMW કાર ચાલકે એક્ટિવા, રિક્ષા અને અન્ય એક કારને ટક્કર મારી હતી. જેથી ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોના ટોળાએ કારચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ યુવક સામે ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો.આ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી હાઈવે પર કર્ણાવતી ચાર રસ્તા પર એક BMW કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. કારે એક એક્ટિવા ચાલક બંને ભાઈઓને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. એક્ટિવાને ટક્કર લાગતાં તેના પર સવાર બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, આટલેથી ન અટકતાં કારચાલકે વધુ એક ઓટો રિક્ષા અને એક અન્ય કારને પણ અડફેટે લીધી હતી.
બીએમડબલ્યુ કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષામાં બેસેલા એક પેસેન્જરને પગે ઈજાઓ પહોંચી હતી. ત્યાં સુધીમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. કારચાલક ઘટનાસ્થળેથી નાસે તે પહેલા જ ટોળાએ કારચાલકને પકડીને બરાબરનો માર માર્યો હતો. જ્યારે બીજી બાજુ ઈજાગ્રસ્ત બે ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કારચાલક સામે એસજી હાઇવે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં આરોપીનું નામ વિષ્ણુસિંહ ઝાલા તરીકે સામે આવ્યું છે. પોલીસ તપાસ પ્રમાણે, આરોપી કાર ચાલક સાથે તેનો એક મિત્ર પણ હતો. બંને કાર લઈને કોઈ કામ માટે નીકળ્યા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. પોલીસે હાલ સમગ્ર મામલે આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે.


