અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ જવાના મુખ્ય માર્ગ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને દારૂ ભરેલી ગાડીનો પીછો કરતી વખતે ફિલ્મી ઢબે સામસામે ઘર્ષણ સર્જાયું હતું.દારૂ ભરેલી ગાડીનો પીછો કરતી વખતે ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જોકે, ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
રિપોર્ટ મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વાહનમાં ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો શહેરમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ દારૂનો જથ્થો બુટલેગર અનૂપ ઠાકોર ઉર્ફે મેકો રતનસિંહ ઠાકોર, જેને મેપો ઠાકોર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે મંગાવ્યો હોવાની આશંકા છે.બાતમીના આધારે SMCની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડીમાં સવાર શખ્સોને પોલીસની હાજરીની જાણ થતાં તેઓ વાહન લઈને ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ SMCની ટીમે શાહિબાગથી ઇન્દિરા બ્રિજ તરફ તેમનો પીછો શરૂ કર્યો હતો.
પીછો કરતાં કરતાં SMCની ટીમ ઇન્દિરા બ્રિજ નજીક સરસ્વતી પાર્ક સોસાયટીના વિસ્તારમાં પહોંચી હતી. અહીં પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પરિસ્થિતિને પગલે SMCના એક અધિકારીએ હવામાં એક રાઉન્ડ ગોળી ચલાવી હતી. ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઇન્દિરા સર્કલ નજીક ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસકર્મીઓએ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
SMCએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફરાર શખ્સોને શોધવા અને દારૂનો જથ્થો કબજે કરવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જોકે, ગાડીમાં કેટલો દારૂ હતો અને વાહન અંગેની અન્ય વિગતો તાત્કાલિક મળી શકી નહોતી. દારૂની હેરાફેરી રોકવા પહોંચેલી પોલીસની ટીમ સામે જ વાહન ચડાવવાના પ્રયાસના આરોપને પગલે હવે તપાસમાં આરોપીઓની ઓળખ, દારૂના જથ્થા અને ફરાર થવા માટે વપરાયેલા વાહન અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.


