અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)ના નવા ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અંકિત રાઠોડની વરણી કરવામાં આવી છે. નવી બોડીની રચના બાદ આજે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકમાં બંને હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંનેએ વિજય મુહૂર્તમાં પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. ડૉ. સુજય મહેતાનો ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી નિમણૂકો કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, આજે અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સમિતિના નવા હોદ્દેદારોનાં નામ નક્કી કરવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલ મિશ્રા સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવા ચેરમેન અને વાઈસ ચેરમેનને અભિનંદન પાઠવી તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડની નવી બોડીમાં ભાજપના 11 અને કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ થયો છે. જેમાં સભ્યો તરીકે નવીન પટેલ, ડૉ. નિલય શુક્લ, શ્રી લીલાધર ખડકે, પાર્થ ત્રિવેદી, નીકી શાહ, ચંદ્રદીપસિંહ વાઘેલા, નીતાબેન પ્રજાપતિ, અમૃત વ્યાસ, નંદિની પંડ્યા અને સોનલ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા સરકારી સભ્ય તરીકે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. બિનસરકારી સભ્યો તરીકે ચિરાગ સોલંકી અને ભવાનીસિંહ શેખાવતની પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુ. સ્કૂલ બોર્ડ શહેરમાં પ્રાથમિક શિક્ષણના સંચાલન અને ગુણવત્તા સુધારણા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી સાથે સમિતિના આગામી કાર્યકાળમાં શૈક્ષણિક સુવિધાઓના વિકાસ, શાળાઓની કામગીરીમાં સુધારણા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટેની કામગીરીને નવી દિશા મળવાની અપેક્ષા છે.


