અમદાવાદ : અમદાવાદ નજીક સાંતેજ પાસેના ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા ‘મંડળી’ ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક અસામાજિક તત્વો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ બહાર લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હિંસક જૂથ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રિપોર્ટ મુજબ, મોડી રાતે સાંતેજ ખાતે આવેલી મંડળી ગરબોત્સવમાં કેટલાક અસામાજિક તત્વો કોઈ પાસ કે પરમિશન વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટી સ્ટાફે તેમને ગેટ પર જ અટકાવી દેતાં બંને પક્ષે ઉગ્ર દલીલો શરુ થઈ હતી. આથી સ્થિતિ ખૂબ જ વણસી ગઈ કે લાકડીઓ અને તલવારો લઈને બાઉન્સરો અને અસામાજિક તત્વો એકબીજા સામે આવી ગયા. આથી સરેઆમ ધીંગાણું ખેલાયું હતું.ઘટનાને પગલે ગરબા ગ્રાઉન્ડમાં હાજર ખેલૈયાઓ અને પરિવારોમાં ડરનો માહોલ સર્જાયો હતો.
મોંઘાદાટ પાસ ખરીદીને પરિવાર સાથે અને મિત્રો સાથે આવેલા ખેલૈયાઓએ જ્યારે આ ભયાનક દ્રશ્ય જોયું તો ભારે ભય પામી ગયા હતા. ગ્રાઉન્ડના મેઇન ગેટ પાસે ખુલ્લી તલવારો અને ધોકા જોઈને મહિલાઓ, બાળકો અને યુવતીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હિંસક ઘટનાનો વીડિયો સોશિય મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચાઓ જાગી છે.
જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ તો સાંતેજ પોલીસ અને ગાંધીનગર જિલ્લા એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેંળવ્યો હતો.જ્યારે આવી ઘટના બનતાં ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


