અમદાવાદ : અમદાવાદમાં દશેરા પર્વને લઈને AMCએ ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં વેપારીઓને ખાસ તાકીદ કરાઈ છે. નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે કોર્પોરેશનના ખાદ્ય સુરક્ષા વિભાગે ફૂડ બિઝનેસ ઓપરેટરોને નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી છે.દશેરાના તહેવાર દરમિયાન અમદાવાદમાં ફાફડા, જલેબી અને અન્ય મીઠાઈ-નાસ્તાની માગ વધતી હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, દશેરા દરમિયાન ફાફડા-જલેબીની ખરીદીમાં વધારો થતો હોવાથી ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં વપરાતા કાચા માલ, તેલ અને ઘીની ગુણવત્તા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફાફડા બનાવવા માટે ચણાના લોટમાં મકાઈ, ચોખા, વટાણા કે ખેસારીનો લોટ અઘોષિત રીતે ભેળવવો નહીં. ખાદ્ય પદાર્થોમાં વપરાયેલા ઘટકો અંગે ગ્રાહકોને સાચી માહિતી આપવી પણ જરૂરી છે.કોર્પોરેશને ફૂડ બિઝનેસ ઓપરેટરોને નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી છે.
ફાફડા, જલેબી અને અન્ય તળેલી વાનગીઓ બનાવવા માટે વારંવાર તળવાથી બગડેલા તેલનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. તળવાના તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ. આ ઉપરાંત, મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થો શુદ્ધ ઘીમાં બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવે તો તે હકીકત અને પુરાવા આધારિત હોવો જોઈએ.
ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યા, રસોડું, વાસણો અને પીરસવાની જગ્યા સ્વચ્છ રાખવી વેપારીઓ માટે જરૂરી છે. કર્મચારીઓએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની સાથે ખોરાકને ધૂળ અને જીવજંતુઓથી બચાવવો પડશે. ફાફડા-જલેબી ઉપરાંત ચટણી, કઢી અને પપૈયાની છીણ જેવી ખાદ્ય સામગ્રી સ્વચ્છ રીતે તૈયાર કરીને ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે. વાસી અથવા દુર્ગંધયુક્ત ખોરાકનું વેચાણ અટકાવવા પણ જણાવાયું છે.


