અમદાવાદ : અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2026 આગામી ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે. જેની તૈયારીના ભાગરુપે વિવિધ આકર્ષણો ઉભા કરવાની તંત્ર દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે, તેની કડીના ભાગરુપે કાંકરિયા લેકફ્રન્ટ પાસે ગેટ નંબર 2 પાસેની ખુલ્લી જગ્યામાં PPP મોડેલ હેઠળ રંગબેરંગી ‘કેન્ડી વર્લ્ડ’નું નિર્માણ કરવાની તૈયારી કરવામાં આવી છે. જે બાળકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે.
રિપોર્ટ મુજબ, આ સમગ્ર પાર્કમાં ચોકલેટ, લોલીપોપ અને આઈસ્ક્રીમના કાલ્પનિક આકારોવાળા બાંધકામ, મનોરંજક રાઈડ્સ તેમજ સાહસિક રમતો ઊભી કરાશે. પાર્કનું મુખ્ય કેન્દ્રબિંદુ ભવ્ય ‘ચોકલેટ મહેલ’ હશે, જેમાં પ્રવેશતાં જ બાળકોને વાર્તાઓની દુનિયા જેવો માહોલ મળશે.ઉપરાંત 28 મીટર લાંબી 12 પટ્ટાવાળી રેઈનબો લપસણી, ભૂતિયા કેન્ડી હાઉસ, હવામાં ચાલવાનો અહેસાસ કરાવતી કેન્ડી ક્રૂઝ, નાનું ચકડોળ, સાબુના પરપોટા સાથે રમવાનો બબલ ઝોન, આઈસ્ક્રીમ લેન્ડ બનાવાશે. કાંકરિયા કાર્નિવલ પહેલા આ પાર્ક તૈયાર કરવામાં આવશે.
ઉત્સાહી અને રમતપ્રેમી યુવાઓ માટે રંગબેરંગી નિયોન લાઈટ્સવાળી બે આધુનિક પિકલબોલ કોર્ટનું નિર્માણ કરાશે. ખાસ કરીને લોકો માટે સેલ્ફી પોઈન્ટ્સ, કેન્ડી થીમનું સુંદર પ્રવેશદ્વાર, જાહેર શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.પહેલીવાર લોકો ચોકલેટ અને પિપરમેન્ટની દુનિયામાં ફરશે. લોકો સરળતાથી ફોટોગ્રાફી કરશે. કાંકરિયામાં ફરવા આવનારા લોકોને એક અલગ અનુભવર થશે. આ વર્ષે થનારા કાંકરિયા કાર્નિવલમાં લોકો તેમાં જઇને ફોટોગ્રાફી કરી શકશે અને માણી પણ શકશે.


