અમદાવાદ : અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે AMC ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનો ભંગ કરવા બદલ નવરંગપુરાની બોમ્બે બિરયાની, કાલુપુરની રોયલ ડેરી એન્ડ સ્વીટ્સ અને ગોતાની આઇશ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 2,570 કિલો જેટલો ખાદ્ય જથ્થો સ્થગિત કરી વેચાણથી દૂર રાખવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના નગરજનોને શુદ્ધ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી AMCના ફૂડ સેફ્ટી વિભાગે સમગ્ર શહેરમાં સઘન તપાસ અભિયાન તેજ કર્યું છે. આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ નિર્ધારિત હાઇજીન અને સેનિટેશનના નિયમોની ઘોર ઉપેક્ષા કરનારા વેપારીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવ્યા છે, જેમાં સ્થળ પર જ એકમો સીલ કરવા, શંકાસ્પદ જથ્થો અટકાવવો અને સઘન લેબ તપાસ માટે નમૂનાઓ એકત્રિત કરવા સહિતની કાર્યવાહી સામેલ છે.
રિપોર્ટ મુજબ, ફૂડ સેફ્ટી એક્ટની કડક જોગવાઈઓ અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરવા બદલ તંત્ર દ્વારા 3 મુખ્ય એકમો સામે સીલિંગની તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં નવરંગપુરા સ્થિત બોમ્બે બિરયાની, કાલુપુરની જાણીતી રોયલ ડેરી એન્ડ સ્વીટ્સ અને ગોતાના આઇશ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ પર સીલ મારી દેવાયા છે. ગોતાના એકમમાંથી આરોગ્ય માટે જોખમી જણાતી ખજૂર-આંબલીની ચટણી, ફ્રૂટ સ્ક્વોશ અને શરબતના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે, જ્યારે સ્થળ પરથી 70 હજારની કિંમત ધરાવતો 2015 કિલો શંકાસ્પદ માલસામાન સ્થગિત કરવામાં આવ્યો છે.
માધુપુરા ગંજ બજારમાંથી અગાઉ લેવામાં આવેલા રામસન્સ દેશી ઘીના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ સબ-સ્ટાન્ડર્ડ આવ્યો હતો. આ રિપોર્ટના આધારે વેચાણ માટે રાખવામાં આવેલા 15 કિલોના 37 ટીન એટલે કે કુલ 555 કિલો ઘીનો જથ્થો વેચાણથી દૂર રાખવા માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત 3.51 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. તેજસ શાહે જણાવ્યું હતું કે, લેબોરેટરી તપાસમાં ઘી સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં તેનો જથ્થો પણ અટકાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયેલા ઘીનું સેવન આરોગ્ય માટે જોખમી બની શકે છે.
ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમામ ખાદ્ય વેપારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો માટે માન્ય FSSAI લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. આ ઉપરાંત શેડ્યૂલ-4 મુજબ સ્વચ્છતા જાળવવી, કામદારોની વ્યક્તિગત સફાઈ રાખવી, ખાદ્ય પદાર્થોને માખી અને ધૂળથી બચાવવા તેમજ યોગ્ય સંગ્રહની વ્યવસ્થા રાખવી જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે સીલિંગ, ખાદ્ય જથ્થો સ્થગિત કરવા અને નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ કરાવવા સહિતની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.


