અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન દ્વારા આજે નિકોલ વોર્ડ વિસ્તારમાં ખાસ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ સ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ઉત્તર અને દક્ષિણ ઝોનના સ્ટાફ તેમજ ટ્રાફિક પોલીસની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની આ ઝુંબેશ દરમિયાન 12 દબાણ હટાવવાની ગાડીઓ અને એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની મદદથી નિકોલ ગામથી સુરભી તળાવ, કાનબા હોસ્પિટલથી ગંગોત્રી સર્કલ, દાસ ખમણ વિસ્તાર, અંકુર ચાર રસ્તાથી અટલ આવાસ, ડી-માર્ટ રોડ મોડેલ, કાઠવાડા રિંગ રોડ તેમજ કોઠીયા હોસ્પિટલથી ખોડિયાર મંદિર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન કુલ 65 લારીઓ, 33 કેરેટ, 22 ટેબલ, 27 ખુરશીઓ તેમજ 78 નંગ અન્ય પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ બદલ કુલ રૂ. 17,400નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તાઓ, જંક્શન, મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ પરના દબાણ, બિનપરવાનગીના બાંધકામો તેમજ ગેરકાયદેસર બોર્ડ અને બેનરો દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.


