અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને મંદિરથી લઈને સમગ્ર અંબાજીમાં ચારે તરફ ભક્તિમય માહોલ છવાયો છે.
રિપોર્ટ મુજબ, ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની સંખ્યા 38,23,469 પર પહોંચી છે. આજે અંતિમ દિવસે આ આંકડો 40 લાખને પાર કરી 42થી 45 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. મંદિરથી લઈને 51 શક્તિપીઠ સર્કલ સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ. 29,63,582ની આવક થઈ હતી, જ્યારે છ દિવસની કુલ આવક રૂ. 1,83,10,515 નોંધાઈ છે. મોહનથાળ પ્રસાદના 2,63,657 પેકેટનું વિતરણ થયું હતું. છ દિવસમાં કુલ 28.90 લાખ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 3,927 ભક્તો-સંઘોએ ધજા અર્પણ કરી હતી.
આજે ભાદરવી પૂનમના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોતાની ધજા લઈને મા અંબાના શિખર પર ધજારોહણ કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ પોતાની ધજાઓ સાથે મા અંબાના મંદિરે પહોંચશે. આ ઉપરાંત મેળા દરમિયાન કાર્યરત વિવિધ વિભાગો દ્વારા પણ ધજાઓ અર્પણ કરવામાં આવશે. મહામેળો સુખ, શાંતિ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે બદલ તમામ વિભાગો મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવશે. આજે ભાદરવી પૂનમના પાવન અવસરે મહામેળાની પૂર્ણાહુતિ થશે.


