અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નાગરિકોના આરોગ્ય, સાંસ્કૃતિક વિરાસત અને સમાવેશી આયોજનોને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરીજનોને શુદ્ધ અને સાત્વિક મીઠાઈ-ફરસાણ મળી રહે તે હેતુથી ફૂડ વિભાગને દરેક કામચલાઉ સ્ટોલ અને મંડપ પર રેપિડ ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવા કડક આદેશ આપવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે દશેરા અને દિવાળીના સમયે ઊભા કરાતા કામચલાઉ મીઠાઈ અને ફરસાણના સ્ટોલના સેમ્પલ રિપોર્ટ આવવામાં 6 થી 7 દિવસનો સમય લાગતો હોય છે. જેથી ઘણીવાર સ્ટોલ બંધ થઈ ગયા બાદ કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હતી.
આ સમસ્યાના નિવારણ માટે હવે ફૂડ વિભાગને રેપિડ ટેસ્ટ કીટ પૂરી પાડવામાં આવશે, જેનાથી ખાદ્યપદાર્થોમાં વપરાતા તેલ અને કૃત્રિમ રંગોની પ્રાથમિક ચકાસણી સ્થળ પર જ ગણતરીની મિનિટોમાં થઈ શકશે. આ સાથે જ ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા અદ્યતન મશીનરી ખરીદવા અને જરૂર પડ્યે વધારાનો સ્ટાફ તૈનાત કરવા હેલ્થ વિભાગને સૂચના અપાઈ છે.
કાંકરિયાના નવીનીકરણ બાદ AMC દ્વારા પ્રથમ વખત 24મી ઓક્ટોબર, શનિવારના રોજ સાંજે 7:30 વાગ્યાથી કાંકરિયા કિનારે એક વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. આ ગરબામાં અમદાવાદ અને બહારથી આવેલા 1000 જેટલા દિવ્યાંગો પરંપરાગત પોશાકમાં વ્હીલચેર પર ગરબા રમીને ઉત્સવની ઉજવણી કરશે. આ અનોખા આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ સહભાગી બનશે.
અમદાવાદના કલા અને સંસ્કૃતિના કેન્દ્ર સમાન ઐતિહાસિક ટાઉન હોલના નવીનીકરણ અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી દોઢ મહિનામાં ટાઉન હોલના નવીનીકરણના નકશા અને પ્લાન તૈયાર કરી દેવાશે. ત્યારબાદ ૨ મહિનામાં પ્રત્યક્ષ કામગીરી શરૂ કરીને આગામી 2 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. નવીનીકરણ દરમિયાન ટાઉન હોલના મૂળ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.


