અમદાવાદ : શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સને લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે. શહેરમાં નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાણીપ અને આસપાસના વિસ્તારોમાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી વધુ સરળ બનાવવા માટે, AMC રાધાસ્વામી રોડથી બકરામંડી થઈને અચેર ડેપો સુધી એક રેલવે ઓવરબ્રિજ બનાવશે. બ્રિજને રેલવેની મંજૂરી મળ્યા બાદ સોઇલ ટેસ્ટ સહિતની કામગીરી શરૂ થશે.
રિપોર્ટ મુજબ, પ્રસ્તાવિત ઓવરબ્રિજ માટે AMC ના એન્જિનિયરિંગ વિભાગે આ બ્રિજના નિર્માણ માટે રેલવેની મંજૂરી માંગી છે અને લીલી ઝંડી મળતાં જ સોઇલ ટેસ્ટિંગ અને સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં આ રસ્તાની પહોળાઈ અલગ-અલગ છે, પરંતુ છેવટે તેને એકસરખી 36 મીટર પહોળી કરવામાં આવશે. આ પહોળા કરાયેલા રસ્તા પર જ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
આયોજન મુજબ બ્રિજની બંને બાજુ 6.5 મીટર પહોળા સર્વિસ રોડ રહેશે અને બ્રિજ વળાંકવાળો હશે. રાણીપ તરફ હાલની રેલવે લાઇનથી 200થી 250 મીટર પહેલાં શરૂ થતો બ્રિજ પાટા ઓળંગીને અચેર ડેપો પાસે મુખ્ય માર્ગ પર ઊતરશે. અહીં ચાર રસ્તા જંક્શન બીઆરટીએસ કોરિડોર સાથે જોડાય છે અને ત્યાંથી સ્ટેડિયમ તરફ સીધો માર્ગ મળે છે.મ્યુનિસિપલ તંત્રએ રાણીપના રાધાસ્વામી રોડથી બકરામંડી થઈને અચેર ડેપો સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
AMC એ 2026-27ના બજેટમાં પાંચ સ્થળે બ્રિજની શક્યતા તપાસવાનું નક્કી કર્યું હતું. જેમાં હાંસોલથી કોટેશ્વર સુધી સાબરમતી નદી પર બ્રિજ, શાહીબાગ ડફનાળા જંક્શન અને દરિયાપુર દરવાજા થઈને દિલ્હી દરવાજા જંક્શનથી શાહપુર સુધી એલિવેટેડ કોરિડોર, જોધપુર વોર્ડમાં પ્રેરણાતીર્થ દેરાસરથી સુંદરવન અને રણુજાનગર થઈને માનસી સર્કલ સુધી એલિવેટેડ કોરિડોર અને રાણીપના રાધાસ્વામી રોડ પરથી આરઓબીનો સમાવેશ થતો હતો.


