ગાંધીનગર : નૂતન વર્ષની ગુજરાતભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતની જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, નવા વર્ષમાં દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું જીવન સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે.
રિપોર્ટ મુજબ, નૂતન વર્ષના શુભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરના દર્શન કર્યા બાદ અડાલજ સ્થિત ત્રિમંદિર પહોંચીને પરમ પૂજ્ય દાદા ભગવાનના શ્રદ્ધાપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. દર વર્ષે બેસતા વર્ષે ત્રિમંદિરે દર્શન કરવાની પોતાની પરંપરા જાળવી રાખીને તેમણે દાદા ભગવાન સમક્ષ શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર ગુજરાત રાજ્યના નાગરિકોના કલ્યાણ, ઉત્તરોત્તર સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબ વિકસિત ભારત અને નશામુક્ત ભારતના નિર્માણમાં સૌનો સહયોગ જરૂરી હોવાનું જણાવી મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના સંકલ્પ સાથે સૌ નાગરિકોને સાથે મળીને આગળ વધવાની અપીલ પણ કરી હતી.
બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પોતાના નિવાસ સ્થાને ભાજપના નેતાઓ-કાર્યકરો સાથે નૂતન વર્ષાભિનંદન કરશે. જ્યારે સુરતમાં સી.આર. પાટીલનું શુભેચ્છા મિલન યોજાશે. વડોદરામાં 1200થી વધુ વાનગીઓનો મહા અન્નકૂટ અને બહુચરાજી માતાજીને પાંચ કરોડથી વધુ કિંમતની સુવર્ણ થાળીમાં વિશેષ ભોગ સાથે ગુજરાતમાં નૂતન વર્ષની ઉજવણીના વિવિધ રંગો જોવા મળશે.


