અમદાવાદ : નૂતન વર્ષ (બેસતા વર્ષ) ના મંગલમય પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પરંપરાગત સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષરૂપે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલું સ્નેહમિલન અને શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
રિપોર્ટ મુજબ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમિત શાહના નિવાસસ્થાને પહોંચી પુષ્પગુચ્છ અર્પણ કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય તથા દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ચર્ચા-વિચારણા કરી હતી.
આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, લોકસભા-રાજ્યસભાના સાંસદો, વિવિધ જિલ્લાઓના ધારાસભ્યો અને સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારોએ ગૃહમંત્રીને રૂબરૂ મળી નવા વર્ષના આશીર્વાદ અને શુભેચ્છાઓ મેળવી હતી.ગાંધીનગર સંસદીય ક્ષેત્ર તેમજ અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના લોકપ્રિય નેતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે લાંબી કતારોમાં ઉત્સાહભેર જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખૂબ જ સહજ અને ઉષ્માભર્યા વાતાવરણમાં તમામ મુલાકાતીઓ, સમર્થકો અને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું.તેમણે ઉપસ્થિત સૌ નાગરિકો અને આગેવાનોને નવા વર્ષની વધામણી આપતાં જણાવ્યું હતું કે નવું વર્ષ રાજ્ય અને દેશ માટે નવી પ્રગતિ, વિકાસ અને લોકકલ્યાણના નવા સીમાચિહ્નો લઈને આવે.


