અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વર્ષના પહેલા જ દિવસે જૂની અદાવતમાં લોહિયાળ ખેલની ઘટના સામે આવી છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ અને કરપીણ હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાઈને છોડાવવા વચ્ચે પડેલા યુવકની છાતીના ભાગે હુમલાખોરે ખૂબ જ બર્બરતા અને નિર્દયતાપૂર્વક ઘા ઝીંક્યા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકને આશરે એક મહિના અગાઉ આરોપી સાથે ઝઘડો થયો હતો. ઘટના સમયે યુવક પોતાના વિસ્તારમાં ઉભો હતો. ત્યારે આરોપી અચાનક તેની પાસે આવ્યો અને યુવક સાથે ઝઘડો કરવાનું શરુ કરી દીધું હતું.આરોપીએ યુવકને ગંદી ગાળો ભાંડી. જ્યારે આરોપી યુવક સાથે ઝઘડો કરી રહ્યો હતો. તો યુવકનો ભાઈ વચ્ચે પડ્યો અને ભાઈને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઉશ્કેરાયેલા ઈસમે જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવકની છાતીમાં નિર્દયતાથી છરી ભોંકી દીધી હતી.
ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી નાસી ગયો હતો. બીજી તરફ લોહિયાળ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને ત્વરિત સારવાર હેતુથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.આ લોહિયાળ ઘટના અંગે મૃતકના ભાઈએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


