અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કંસારા પોળ, માંડવીની પોળ સ્થિત શ્રી મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરે કારતક વદ છઠના પવિત્ર અવસરે ભવ્ય મહાઅન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, ફળો, શાકભાજી અને અન્ન સહિતની અનેક વાનગીઓનો વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટનાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું.

મહાઅન્નકૂટ ઉત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી રોશની અને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ખાસ કરીને પીળા અને કેસરી રંગનાં ફૂલોથી કરવામાં આવેલી સજાવટ મંદિરની શોભામાં વધારો કરી રહી હતી. માતાજીનો વિશેષ શણગાર અને અન્નકૂટની સુંદર ગોઠવણી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અન્નકૂટ પ્રસંગે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કંસારા પોળમાં આવેલું શ્રી મહાકાળી માતાજીનું આ મંદિર આશરે 400 થી 450 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. મંદિરનો વર્ષ 1985માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં મહાકાળી માતાજી રૌદ્ર નહીં, પરંતુ અત્યંત સૌમ્ય સ્વરૂપે બિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહ અને દ્વાર પર સોનાનું સુવર્ણ કવચ ચઢાવવામાં આવ્યું છે, જે મંદિરની આગવી ઓળખ છે. આ ઉપરાંત અહીં ભક્તિ અને શક્તિના પ્રતીક સમાન હનુમાનજી અને માતાજીની મૂર્તિઓ સામસામે બિરાજમાન છે, જે આ મંદિરની અનોખી વિશેષતા ગણાય છે.

મંદિરમાં ધાર્મિક પરંપરાઓ પણ વર્ષોથી જાળવી રાખવામાં આવી છે. શ્રાવણ માસ અને નવરાત્રી દરમિયાન દરરોજ મહાદેવની આરતી કરવામાં આવે છે. વર્ષમાં બે વખત માતાજીનો મહાદેવ હવન યોજાય છે. આ ઉપરાંત દર વર્ષે માતાજીની પલ્લી નીકળે છે અને મહા અન્નકૂટનો ઉત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ મંદિર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલાં લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંનું એક છે.

આ પ્રસંગે સ્થાનિક આગેવાન પૃથુલભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, “આજે કંસારા પોળ, માંડવીની પોળ ખાતે આવેલા મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 400 વર્ષ જૂના આ મંદિરમાં દર વર્ષે આ જ રીતે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે અન્નકૂટનો પ્રસંગ ઉજવવામાં આવે છે. આ અવસરે મોટી સંખ્યામાં લોકો માતાજીનાં દર્શન કરવા આવે છે.”

અન્નકૂટ ઉત્સવમાં કંસારા સમાજનાં ભાઈ-બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા સમાજના યુવાનો અને કાર્યકરોએ સંભાળી હતી.
આમ, મહાકાળી માતાજીના અન્નકૂટ ઉત્સવે ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને પરંપરાના સુંદર દર્શન કરાવ્યાં હતાં. માતાજીનાં દર્શન, ભવ્ય શણગાર, અન્નકૂટ અને પ્રસાદનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.


