અમદાવાદ : અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ અને જંક્શનો પર ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ટ્રાફિકનું સંચાલન સરળ બનાવવા માટે ‘કેપ્સુલ ડિઝાઈન’નો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને અત્યાર સુધીમાં સોલા સિવિલ, પેલેડિયમ મોલ સહિત કુલ 31 જંક્શન પર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જો કે પકવાન ચાર રસ્તા પર સવારે લાગુ કરવામાં આવેલી ‘કેપ્સ્યુલ સિસ્ટમ’ ને હજુ 12 કલાક પણ પૂરા થયા નહોતા, ત્યાં રાત પડતા જ હંગામી ધોરણે હટાવી લેવાની ફરજ પડી હતી.આ ઘટનાને લઈને શહેરીજનો અને સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી પકવાન જંકશન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે સવારથી જ ચાર રસ્તા પર બેરિકેડ લગાવીને વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. જોકે, ઓફિસે જતા કર્મચારીઓ અને કામધંધે નીકળેલા લોકો માટે આ નિર્ણય મુશ્કેલીરૂપ બન્યો હતો. પીક અવર્સ દરમિયાન જંકશન બંધ થતાં એસજી હાઈવે સહિત આસપાસના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
આ સમગ્ર મામલે ટ્રાફિક DCP નરેશ કંઝારીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સિસ્ટમ હટાવવા પાછળ મુખ્યત્વે રસ્તાની સ્થિતિ અને સાંજના સમયનો ટ્રાફિક જવાબદાર છે. DCP ના જણાવ્યા મુજબ, સાંજના સમયે મુખ્યમંત્રી (CM) નો કાર્યક્રમ અને VVIP મુવમેન્ટ હોવાથી પકવાન ક્રોસ રોડ ખાતે ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું, જેના કારણે હાલ પૂરતું કેપ્સ્યુલ ખોલી નાખવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા સત્તાવાર અને બિનસત્તાવાર રીતે પેલેડિયમ મોલ, કોઝી હોટેલ,પીરાણા જંક્શન, શ્યામ શીખર, રબારી કોલોની, નિકોલ-કઠવાડા, મધર ડેરી, સફલ માર્કેટ -કાગડાપીઠ, સીટીએમ એક્સપ્રેસ હાઈવે, સોલા સિવિલ, હાટકેશ્વર, હીરાવાડી, ઇસનપુર ચાર રસ્તા, કરોડ સર્કે, દાસ્તાન સર્કલ, નારોલ જંક્શન, અપોલો સર્કલ, એકા ક્લબ, સિવિલ હોસ્પિટલ ગેટ નંબર સાત, હાથીજણ સર્કલ, ઇન્દિરા બ્રિજ, ભાટ સર્કલ, કારગીલ પેટ્રોલ પમ્પ, સ્વસ્તિક ચાર રસ્તા, ગરીબ નગર અને નાના ચિલોડા પર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
AMC અને ટ્રાફિક પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરમાં અત્યાર સુધી 31 જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમ અમલી કરાઈ છે, આ તમામ જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે વાહનોની અવરજવર વધુ સરળ અને ચાલકોનો સમય પણ બચી રહ્યો છે. જો કે પકવાન જંકશન સહિતના ચાર રસ્તાઓ પર ફરીથી ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવશે. ખાસ કરીને રસ્તા પર ડામરનું કામ પૂર્ણ થયા બાદ અને સર્ક્યુલર ટ્રાફિકની ગતિ સુધર્યા પછી જ આ વ્યવસ્થા ફરી અમલમાં મૂકવા અંગે નિર્ણય લેવામાં આવશે.
એક જાગૃત નાગરિક મુજબ, પકવાન ક્રોસ રોડ પર સિંધુ ભવન જતા અને આવતા બંને રોડની શરૂઆતમાં મૂકાયેલા મોટા પક્ષીના સ્કલ્પચર સૌથી વધુ નડતરરૂપ છે. ઝેબ્રા ક્રોસિંગ સ્કલ્પચરની વચ્ચે પૂરું થતું હોવાથી સિંધુ ભવન રોડ પર જતાં લોકોને સાઈડમાંથી પસાર થવું પડે છે. આ સ્કલ્પચર હટાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા 5 થી 6 વાર કોર્પોરેશનને લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં AMC તરફથી હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે, અમદાવાદને ટ્રાફિક અને સિગ્નલ મુક્ત બનાવવા માટે કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તાઓ પર વાહનચાલકોએ લાંબા સમય સુધી સિગ્નલ ખુલવાની રાહ જોવી પડે છે. ઘણી જગ્યાએ 120 સેકન્ડથી વધુ સમય સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે શહેરમાં કેપ્સ્યુલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે.


