અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસના 31 PIની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. લીવ રિઝર્વ, SOG, ટ્રાફિક અને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવનારાની બદલી કરવામાં આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ મહત્ત્વની શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી થતાં પોલીસ વિભાગમાં ચહલપહલ વધી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસના 31 PIની આ બદલીઓમાં કેટલાક મહત્ત્વના અને ચર્ચિત ફેરફારો જોવા મળ્યા છે. ખોખરા પોલીસ સ્ટેશનના PI બી.પી. સાવલિયાની સાયબર ક્રાઈમ શાખામાં બદલી કરવામાં આવી છે, જ્યારે નરોડા-2ના PI એસ.એ. કોટડીયાને ખોખરા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. તેવી જ રીતે SC/ST CELL-2ના PI જે.કે. રાઠોડની કૃષ્ણનગર ખાતે બદલી થઈ છે અને કૃષ્ણનગરના PI વી.એચ. જોષીને SOGમાં નિમણૂક આપવામાં આવી છે.
આર્થિક ગુના નિવારણ શાખા અને શહેરના મધ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પણ ફેરબદલી કરવામાં આવી છે. EOW ના PI ડી.બી. બસીયાની કાલુપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ છે, જ્યારે કાલુપુરના PI એચ.આર. વાઘેલાને EOWમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત EOWના PI આર.જી. સિન્ધુની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચના કે.કે. ડીંડોરને EOWમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભૂતકાળમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI તરીકે ફરજ બજાવી ચૂકેલા જે કે રાઠોડને એસસી એસટી સેલ- 2માંથી ફરીથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે શહેર ટ્રાફિક વિભાગમાં એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એસ ડી પટેલની એસસી એસટી સેલ- 2માં નિયુક્ત કરવામાં આવ્યા છે.
સાયબર ક્રાઈમ, SOG, ક્રાઈમ બ્રાન્ચ અને EOW જેવી મહત્ત્વની શાખાઓમાં અનુભવી અધિકારીઓને મૂકીને ગુનાખોરી પર અંકુશ મેળવવા અને તપાસની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા અન્ય PIને પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આગામી દિવસોમાં નવી નિમણૂક પામેલા તમામ અધિકારીઓ પોતાનો ચાર્જ સંભાળીને પોતપોતાના વિસ્તારો અને શાખાઓમાં કામગીરી શરૂ કરશે. વહીવટી સંતુલન અને કામગીરીની અસરકારકતા માટે કરાયેલા આ સામૂહિક બદલીના આદેશને પોલીસ બેડામાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.


