અમદાવાદ : અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ઈન્દિરા બ્રિજ નજીક આવેલા ભાટ-કોટેશ્વર રોડના મુખ્ય જંક્શનને ટ્રાફિકની ગીચતાને કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. સત્તાવાળાઓએ હવે આ જંક્શન પર ‘કેપ્સ્યુલ-સ્ટાઈલ’ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ માટે રસ્તાની બંને બાજુએ પહોળાઈ વધારીને નવા ‘યુ-ટર્ન’ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
રિપોર્ટ મુજબ, ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ એક વધારાની લેન બનાવી નવા યુ-ટર્ન તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આગામી 15 દિવસમાં પૂર્ણ થતા મોટેરા, કોટેશ્વર અને ભાટના વાહનચાલકોને મોટી રાહત મળશે.ભાટ ચાર રસ્તા પરનું મુખ્ય જંકશન બંધ કરાતા મોટેરા-કોટેશ્વરથી એરપોર્ટ તરફ જતા વાહનચાલકોને 1 કિલોમીટર દૂર કેબલ બ્રિજ નીચેથી, જ્યારે ભાટ-ગાંધીનગર તરફથી આવતા ચાલકોને ઇન્દિરા બ્રિજ નીચેથી 2 કિલોમીટરનો ફેરો ફરીને યુ-ટર્ન લેવો પડતો હતો. સ્થાનિક નાગરિકોની હાલાકી અંગે રાજકીય નેતાઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવતા, ટ્રાફિક પોલીસ અને તંત્ર દ્વારા જંકશન ખોલવાના બદલે કેપ્સુલ ડિઝાઇન બનાવવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ અને ગાંધીનગર તરફ અવરજવર કરતા વાહનચાલકોને અડચણ ન પડે તે માટે હાલ બંને તરફના રોડ પર એક-એક વધારાની લેન બનાવી રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બંને તરફ 300 મીટરના નવા યુ-ટર્ન તૈયાર કરવામાં આવશે, જેનાથી 15 દિવસમાં જ વાહનવ્યવહાર સરળ બનશે.


