અમદાવાદ : અમદાવાદ શહેરમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસ દ્વારા સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, ત્યારે શહેરના સોલા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મોંઘાદાટ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે આ નશીલો પદાર્થ પૂરો પાડનાર ગાંધીનગરનો મુખ્ય આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, સોલા હાઇકોર્ટ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખ્સો નશીલા પદાર્થની ડિલિવરી કરવા માટે સોલા વિસ્તારમાં આવવાના છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે સોલા ભાગવત ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા 2 યુવકોને અટકાવીને તેમની તલાશી લીધી હતી.પોલીસે તેમની અંગજડતી લેતા તેમની પાસેથી 35.970 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી વિશાલ સોનુ અને ધ્રુવ પટેલ નામના બંને આરોપીઓની ધરપકડ કરી હતી. જપ્ત કરવામાં આવેલા હાઈબ્રિડ ગાંજાની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,25,895 જેટલી થાય છે.પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલું વાહન મળીને કુલ રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


