અમદાવાદ : શહેરમાં અસામાજિક તત્વો બેફામ બનીને કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નારણપુરામાં મોડી રાતે અસામાજિક તત્વોનો મારામારી અને તોડફોડ કરી હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. જાહેરમાં બેસીને દારૂ પીવા બાબતે રોકતા તલવાર લઈને 20 થી 25 લોકોનું ટોળું આવ્યું અને ટોળાએ ગામમાં ઘૂસી અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે નારણપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં હેમાંગ પટેલ નામના વ્યક્તિની ઘરની પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં દારુ પાર્ટી કરી રહ્યા હતા. તે દરમિયાન ઘરમાં લોકો હોવાથી પીડિતે આરોપીઓને દારુ પીવાની ના પાડી હતી. તે દરમિયાન વિસ્તારના અન્ય લોકો પણ ભેગા થઈ જતાં આરોપીઓ ચૂપચાપ સ્થળ છોડીને જતાં રહ્યા હતા. થોડીવારમાં આ શખસ તેમના અન્ય સાથીઓ સાથે મળી પરત આવ્યા હતા.
20 થી 25 શખસ હાથમાં તલવાર અને ધારદાર હથિયાર લઈ નારણપુરા ગામ તરફ આવ્યા હતા. અચાનક જ આટલી મોટી સંખ્યામાં ટોળું આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો હથિયાર સાથે આવેલા શખસોને જોઈને ઘરમાં જતા રહ્યા હતા. આ ટોળું હેમંગબાઈના ઘર પાસે પહોંચ્યું હતું. જેમાંથી કેટલાક લોકો મોટેથી ગાળો પણ બોલી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક સ્થાનિકો પણ ત્યાં હાજર હતા.
તોફાની તત્વોએ સ્થાનિકો પર જીવલેણ હુમલો કરીને એટલેથી ન અટકતાં વાહનોમાં પણ મોટી તોડફોડ કરી હતી. લોકોની કારના કાચ તોડી નાખ્યા હતા ઉપરાંત લોકોને ધમકી આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ સમગ્ર નારણપુરામાં લોકો ભયભીત થઈ ગયા છે.
જ્યારે ઘટના અંગે સ્થાનિકોએ નારણપુરા પોલીસને જાણ કરી તો આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને જ્યારે જાણ થઈ તો તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ લઈને ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


