ગાંધીનગર : ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે. જેનાથી હાઉસિંગ સોસાયટીના સંચાલન અને કામગીરીમાં સુધારો આવી શકે છે. હાલમાં હાઉસિંગ સોસાયટીના લગતા નિયમોમાં ઘણી બધી વિસંગતતાઓ હોવાથી અનેક વાદ-વિવાદ થતા રહે છે. આથી ઘણા મુદ્દાઓનો ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.
અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ મુજબ વિધાનસભાના આગામી સત્રમાં આ ખરડો પ્રસ્તુત થાય તેવી શક્યતા છે. સરકાર હાઉસિંગ સોસાયટીઓને લગતી બાબતો માટે એક ઓથોરિટીની નિમણૂક કરે તેવી સંભાવના છે. એગ્રીકલ્ચરલ અથવા બીજી કોઓપરેટિવ સોસાયટીઓની તુલનામાં હાઉસિંગ સોસાયટીઓ અલગ રીતે ચાલતી હોય છે. હાઉસિંગ સોસાસટીઓ જે રીતે સંચાલિત થાય છે તેનાથી કરોડો લોકોને અસર થાય છે તેથી તેના માટે એક વિશેષ કાયદો હોવો જરૂરી છે. એક ખાસ ઓથોરિટી રચવામાં આવે તો હાઉસિંગ સોસાયટીઓના પ્રશ્નોનો વધુ સારી રીતે ઉકેલ આવી શકશે.
હાલમાં હાઉસિંગ સોસાયટીઓને કોઓપરેટિવ્સના રજિસ્ટ્રાર દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ તેમાં ઘણા મુદ્દા એવા છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. અત્યારે જે નિયમો છે તેના કારણે હાઉસિંગ સોસાયટીઓના મેમ્બર્સ વચ્ચે સતત તકરાર થાય છે.એક અધિકારીએ જણાવ્યું કે પ્રસ્તાવિત કાયદામાં ગવર્નન્સની મેટર, ચૂંટણી, કમિટીના સભ્યોની નિમણૂક, મકાન વેચતી વખતે થતા વિવાદો અને સોસાયટીના એકાઉન્ટનો સમાવેશ કરાવશે. આ ઉપરાંત ફાયર સેફ્ટી, ગટર વ્યવસ્થા વગેરે પણ તેમાં આવરી લેવામાં આવશે.
ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને એવું જોવા મળ્યું છે કે કોઓપરેટિવ રજિસ્ટ્રારની ઓફિસ પાસે એટલો મેનપાવર નથી કે તે તમામ વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ લાવી શકે. આ ઉપરાંત ઘણી હાઉસિંગ સોસાયટીઓ એવી છે જેના એકાઉન્ટ ઘણા વર્ષોથી ઓડિટ કરવામાં નથી આવ્યા.
ભારતમાં સૌ પ્રથમ 1904માં કોઓપરેટિવ સોસાયટી એક્ટ લાગુ થયો હતો અને તેમાં બેંગલોર બિલ્ડિંગ કોઓપરેટિવ સોસાયટીએ સૌથી પહેલાં 1909માં સહકારી હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી હતી. ત્યાર પછી 1912માં તે સમયની બ્રિટિશ સરકાર દ્વારા કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ ઘડવામાં આવ્યો હતો. હાઉસિંગ સોસાયટીઓ સ્વ-સહાય પહેલ અને સ્વ-નિર્ભરતા પર આધારિત છે.