અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં આજે રોડ, પાણી, ટાઉન પ્લાનિંગ સહિતની વિવિધ કમિટીઓના નવા ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા કમિટીઓમાં સ્થાન ન મળવાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં સભામાં કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો.
આજે સાંજે 4 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે ભાજપની એજન્ડા બેઠક મળી હતી. જેમાં શહેર પ્રમુખ અમિત શાહ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ, શહેર મહામંત્રી જીતુ ભગત અને ભૂષણ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન , ડેપ્યુટી મેયર જતીન પટેલ, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ દ્વારા કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સામાન્ય સભામાં વિવિધ 13 જેટલી કમિટીઓના સભ્યોની નિમણૂક અંગેના કામગીરીને મંજૂરી આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ દ્વારા AMTS કમિટીના ચેરમેન તરીકે ધરમસિંહ દેસાઇની નિમણૂક કરવામાં આવી છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે વેજલપુરના દિલીપ બગરિયા, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નારણપુરાના જયેશ પટેલ, ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે પાલડીના પ્રિતેશ મહેતા, રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે વસ્ત્રાલના અનિરુદ્ધસિંહ ઝાલા, હેલ્થ કમિટીના ચેરમેન તરીકે શાહિબાગના જશુ ઠાકોર, હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે ઇન્ડિયા કોલોનીના ભરત કાકડિયા, લીગલ કમિટીના ચેરમેન તરીકે બાપુનગરના પ્રકાશ ગુર્જર, રિક્રીએશનલ કમિટીના ચેરમેન તરીકે સરખેજના જયેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે.
આવતીકાલે શનિવારે તમામ કમિટીઓના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની પ્રથમ બેઠક મળશે. જેમાં તમામ સભ્યો હાજર રહેશે. આવતીકાલે શનિવારે જ તમામ ચેરમેનો અને ડેપ્યુટી ચેરમેનો પોતાના પદ સંભાળી લેશે. આ દરમિયાન વિપક્ષી સભ્યોને કમિટીમાં સ્થાન નહીં અપાતા હોબાળો સર્જાયો હતો. વિપક્ષી કોંગ્રેસી સભ્યોએ વિરોધ કરતા હોબાળો કરીને સામાન્ય સભાના એજન્ડાના કાગળોને ફાડવામાં આવ્યા હતા.