અમદાવાદ : અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત ઓવરબ્રિજ પૈકીના એક ગિરધર નગર ઓવરબ્રિજને આગામી સમયમાં 23 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. બૂલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ અંગેનું જાહેરનામુ પણ પોલીસે બહાર પાડ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસના જાહેરનામા મુજબ, અમદાવાદના કોટ વિસ્તારોને જોડતા ગિરધર નગર ઓવરબ્રિજ શાહીબાગ, અસારવા જોડતો મહત્વનો માર્ગ છે, જે દરરોજ હજારો વાહનોની અવરજવરનું કેન્દ્ર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યના ભાગરૂપે આ વિસ્તારમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ શરૂ થવાનું છે. આ કામગીરી દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજને 18 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી શહેરના પૂર્વ ભાગમાં ટ્રાફિક વ્યવસ્થા પર નોંધપાત્ર અસર પડે તેવી શક્યતા છે.
જેના વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ બળિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. જ્યારે શાહીબાગ, ગિરધર નગર તરફથી આવતો ટ્રાફિક ગિરધર નગર સર્કલ કાળકા માતાજીના મંદિર થઈને બળિયા લીમડી ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફ જઈ શકશે. આમ બંને વૈકલ્પિક માર્ગોનો વાહન વ્યવહાર બળિયા લીમડી ચારરસ્તા પર આવતા ત્યાં ટ્રાફિકનું ભારણ વધશે.
કાલુપુર રેલવેસ્ટેશનના નવનિર્માણના કામમાં સ્ટેશનની સામેના ભાગે એલિવેટેડ રોડના નિર્માણ માટે વિવિધ કામગીરી સબબ આગામી 31 ઓગસ્ટ સુધી સ્ટેશન સામેના રોડ પર પીલ્લર 24થી પીલ્લર 27 વચ્ચેનો 40 મીટરનો રોડ બંધ કરાયો છે. તાજેતરમાં રથયાત્રા દરમિયાન કામગીરી બંધ કરીને રસ્તો ખોલી આપવામાં આવ્યો હોવાથી હવે આ કામની મુદ્દત એક મહિનો વધારી દેવાઈ હોવાથી 40 મીટરની લંબાઈનો રોડ આગામી 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.
કાંકરિયા મેટ્રો અન્ડરગ્રાઉન્ડસ્ટેશન બનાવવાની કામગીરી અંતર્ગત ગોતીપુર-રાજપુર ટોલનાકા રોડ પરસેન્ટ જોસેફ સ્કૂલની દીવાલથી રાજપુર ટોલનાકાચાર રસ્તા સુધી 500 મીટર લંબાઈનું ડાઈવર્ઝને આપવામાં આવ્યું છે.જેની અમલવારી 3 જૂલાઈથી 300 સપ્ટેમ્બર એટલે કે ત્રણ મહિના સુધી કરાશે. ડાઈવર્ઝનવાળો આ સમગ્ર રૂટ પોલીસ તંત્ર દ્વારા નો-પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.