અમદાવાદ : શહેરમાં દિન-પ્રતિદિન પાર્કિંગની સમસ્યા ખૂબ વધી રહી છે. ખાસ કરીને હવે સોસાયટીઓ અને ફ્લેટોમાં વાહન પાર્કિંગની ખૂબ જ મોટી સમસ્યા ઉભી થતી હોય છે ત્યારે બેથી વધુ બેઝમેન્ટ પાર્કિંગની જગ્યાએ હવે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગ (બિલ્ડિંગમાં પાર્કિંગ માટેનો માળ) બાંધવા માટેની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં મુંબઈની જેમ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં પોડિયમ પાર્કિંગની સુવિધા પણ થઈ શકશે. 4000 ચો.મી.થી વધુ પ્લોટ એરીયા ધરાવતા પ્લોટમાં અને 25 મીટરથી વધુ ઊંચાઈનાં બિલ્ડીંગોમા પોડિયમ પાર્કિંગની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.શહેરમાં એસજી હાઇવે અને એસપી રીંગ રોડ પર સહિત કુલ 22 જેટલી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં પોડિયમ પાર્કિંગની પરવાનગી આપવામાં આવી છે.સોસાયટીઓને ફ્લેટમાં વધતા જતા વાહનો અને પાર્કિંગની સમસ્યાને લઈને બેઝમેન્ટ પાર્કિંગ માટે જમીનને ખૂબ ખોદવી પડે છે અને બેથી ત્રણ બેઝમેન્ટ બનાવવાની જરૂરિયાત પડે છે તેની જગ્યાએ હવે પાર્કિંગ માટે પોડિયમ પાર્કિંગની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો મુજબ, બેઝમેન્ટની જગ્યાએ પોડીયમનાં બાંધકામથી ગ્રાઉન્ડ ફલોરથી ઉપરનાં લેવલે પાર્કિંગની ફેસિલિટી આપી શકાય છે. જેનાથી જમીનનું ખોદાણ ઓછી ઊંડાઇ સુધી કરવાની જરૂર પડે છે. હાઈરાઈઝ બિલ્ડીંગોમાં પોડિયમ પાર્કિંગ એક કરતા વધારે લેવલ પર દર્શાવી શકાય છે. જે બેઝમેન્ટ પાર્કિંગની સામે ઘણુ ઈકોનોમિકલ અને વધુ હવા-ઉજાસ(એર વેન્ટીલેશન) ભરેલુ સાબિત થશે. પોડીયમ સ્લેબ જે પોડીયમની ઉપર આવેલ બાંધકામો તથા પોડીયમની નીચે આવેલા બાંધકામોમાં આગ લાગવાના કિસ્સામાં ફાયર સેપરેશનનું કામ કરે છે.
કયા ઝોનમાં કેટલી મંજૂરી?
ઉત્તર-પશ્ચિમ ઝોન : 12
દક્ષિણ-પશ્ચિમ ઝોન : 4
પશ્ચિમ ઝોન : 3
પૂર્વ ઝોન : 2
દક્ષિણ ઝોન : 1