અમદાવાદ : રાજકોટ TRP અગ્નિકાંડ બાદ ગુજરાત ભરમાં ફાયર NOC અને બીયુ પરમિશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે એકમો પાસે ફાયર NOC ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. છતા પણ અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના જોવા મળે છે. ત્યારે અમદાવાદના શેલા ખાતે આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી.
જેના પગલે આજે વાલીઓએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો. જે બાદ સ્કૂલમાં પોલીસ દોડી આવી હતી અને અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા પણ દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં શાળાની બેદરકારી સામે આવી છે. જેના પગલે વાલીઓનો રોષ જોતા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિ એશિયાટિક સ્કૂલને બાળકોની સલામતી મામલે તમામ પાસાઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગની ઘટના બન્યાના એક દિવસ બાદ શાળાએ આગ લાગી હોવાનું સ્વીકાર્યું છે.
તમને જણાવી દઈએ કે જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર પેઈન્ટ પણ કરી દેવાયાનું સામે આવ્યું હતું. આખરે વાલીઓના હોબાળાની જાણ થતા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા સ્કૂલ પર પહોંચ્યા હતા. અને વાલીઓનો રોષ શાંત પાડ્યો હતો અને સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં ફાયર સ્મોક થયો હોવાનું અને સ્પાર્ક થયો હોવાનું સામે આવ્યું હતું. આખરે આ સમગ્ર ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સમગ્ર ઘટના મામલે ગ્રામ્ય શિક્ષણ અધિકારી પાસેથી વિગતો મેળવી હતી.
ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, બાળકોની સલામતી મામલે જ્યાં સુધી તમામ પાસાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા શાળા એ કરવાની રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે.