અમદાવાદ : અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની એક સોસાયટીમાં ઘૂસી હતી. સ્કૂલબસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવીને બાળકોને મૂકીને બસ લઈને પરત નીકળ્યો હતો.આ દરમિયાન બસ ઘાટલોડિયાની રહેણાક સોસાયટીમાં ઘૂસી હતી જ્યાં સોસાયટીના ગેટથી લઈને અંદર સુધી દીવાલ અને વાહનને અથડાઈ હતી.જોકે બાળકો સ્કૂલબસમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની સ્કૂલનાં 35 બાળકોને સ્કૂલે મૂકીને આવી હતી.બસનો ડ્રાઇવર પ્રતિબંધિત રહેણાક વિસ્તારમાં બસ લઈને ઘૂસ્યો હતો. ઘાટલોડિયાની શ્રીનાથ સોસાયટીના કોમન પ્લોટની દીવાલને ટક્કર મારીને બસ સોસાયટીમાં ઘૂસી હતી, ત્યારબાદ સોસાયટીમાં બાળકો રમતાં હતાં ત્યારે બસ આવી હતી જ્યાં એક કારને ટક્કર મારી હતી.
બનાવને પગલે સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા.ડ્રાઈવરને નીચે ઉતારીને સોસાયટીના રહીશોએ રોકી રાખ્યો હતો. ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જે શિલજથી નાલંદા સ્કૂલમાં 35 બાળકોને મૂકીને આવ્યો હતો.ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જેની કબૂલાત પણ ડ્રાઇવરે કરી હતી અને જણાવ્યું હતું કે તે રોજ સાંજે દારૂ પીવે છે અને સવારે સ્કૂલબસ ચલાવે છે. જોકે બાળકો સ્કૂલબસમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
સમગ્ર મામલે કેટલાક સવાલો થઇ રહ્યા છે જેમ કે સ્કૂલ બસમાં કોઈ કન્ડક્ટર કેમ ન હતો? બાળકોને સલામત રીતે બસમાં ચડાવવા અને ઉતારવા સહિતની જવાબદારી એક કન્ડક્ટરની હોય છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે બસમાં કોઈ કન્ડક્ટર ન હતો અને રિવર્સ લેતી વખતે નશામાં ધૂત ડ્રાઈવરે બે જગ્યાએ અકસ્માત સર્જી દીધો. અન્ય એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ડ્રાઈવર નશામાં છે કે કેમ તે જોવાની જવાબદારી સ્કૂલ પ્રશાસનની હોય છે. અહીં તો સ્કૂલ પ્રશાસન પણ ઉંઘતુ ઝડપાયુ છે. સ્કૂલ પ્રશાસનને ખબર જ નથી કે ડ્રાઈવર નશામાં છે. સ્કૂલમાં બસ લેવા જાય છે ત્યાંથી બાળકોને લેવા જાય છે એ દરમિયાન ડ્રાઈવર કઈ હાલતમાં છે તે જોવાની જવાબદારી શાળાની હોય છે.
સદ્દનસીબે આ ઘટનામાં બસમાં બેસેલા તમામ બાળકો સલામત છે. જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે આ નશેડી ડ્રાઈવરે કોઈ મોટો અકસ્માત સર્જ્યો હોત તો? બસમાં બેસેલા વિદ્યાર્થીઓની સલામતીનું શું ?