
અમદાવાદ : અમદાવાદમાં પાલતુ શ્વાનને લઇને બબાલની ઘટના સામે આવી છે. વાસ્તવના એક પાલતુ શ્વાનને રસ્તા પર લઘુશંકા કરાવવા બાબતે મામલો બિચક્યો હતો. આ તરફ એક પરિવાર દ્વારા વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ પણ આ પ્રકારના બનાવ સામે આવ્યા છે. તાજેતરની ઘટનામાં વૃદ્ધને એક પરિવાર દ્વારા માર મારવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કૃષ્ણનગરમાં પાલતુ શ્વાન મુદ્દે પરિવારની દાદાગીરી સામે આવી છે. વિગતો મુજબ કૃષ્ણનગરમાં પરિવારના 3 સભ્યોએ પાલતુ શ્વાન લઘુશંકા ન કરાવવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધ પર હુમલો કર્યો હતો. પાલતુ શ્વાનને રસ્તા પર લઘુશંકા નહિ કરાવવા મામલે થયેલો માથાકૂટમાં બાબ હીરાલાલ પરમાર નામના વૃદ્ધને લાકડીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધને લાકડીથી માર માર્યો હોવાની આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં પરિવારે વીડિયો ઉતારતી મહિલાને પણ ધમકી આપી હતી. વિગતો મુજબ પરશુરામ સિપા, શ્રીકાંત સિપા, સની સિપા નામના શખ્સોની ગુંડાગર્દી સામે સોસાયટીના રહીશોએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.