અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ એકાદ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે લાલ આંખ કરીને એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદનાં ચાંદખેડામાં પોલીસ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતો ઝડપી પાડ્યો હતો. પોલીસે વોન્ટેડ કરેલા આરોપીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવા અંગે પાંચ લાખની લાંચ માંગી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં ફરીયાદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આથી ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા એક્ટની કલમો નહિ લાગુ કરવા માટે 5,30,000 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ હાલ તેની પાસે માત્ર 2 લાખ રૂપિયા હોય બાકીનાં પૈસા પછીથી આપવા જણાવ્યું હતું.
આથી ચાંદખેડાનાં નવા સી.જી.રોડ ચાર રસ્તા પર ACBએ ટ્રેપ કરી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ ફરિયાદીને લાંચની રકમ આપવા બોલાવ્યો હતો અને આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનાં કહેવાથી આ ગુનાના અન્ય એક આરોપી મીતુલ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ ગોહીલે લાંચની રકમ લીધી હતી.
આ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતા ઝડપી લીધો હતો. કેસની વિગતો અનુસાર ફરિયાદીએ છેલ્લા ચારેક માસથી તેમણે દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. આરોપી નારોલ પોલીસ સ્ટેશનનાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાતવતા વનરાજસિંહ વલકુભાઈ વાળાએ ફરીયાદી પાસે રૂ.2500ની માંગણી કરી હતી. જો પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.