અમદાવાદ : અમદાવાદમાં ત્રિ-દિવસીય “વંદે માતરમ યુવા ઉદ્ઘોષ” કાર્યક્રમનો સમાપન સમારોહ ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તથા વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. યુવાનો વંદે માતરમનું સંપૂર્ણ પઠન કરી રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવે તે હેતુથી અમદાવાદમાં ત્રણ દિવસ દરમિયાન 1 લાખથી વધુ વંદેમાતરમનું ગાન તેમજ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.
રિપોર્ટ મુજબ, “વંદે માતરમ યુવા ઉદ્ઘોષ” અભિયાન કાર્યક્રમના ત્રીજા દિવસે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં નારણપુરા અને દાણીલીમડા વોર્ડમાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. નારણપુરામાં 1,200થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. તે જ રીતે દાણીલીમડા વોર્ડમાં પણ 700થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા ભારતનો નકશો બનાવી રાષ્ટ્ર એકતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો.
નારણપુરા ખાતે ત્રીજા દિવસે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ માનવ સાંકળ દ્વારા ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ રચી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એકસૂરે ‘વંદે માતરમ’નું પૂર્ણ ગાન કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
આ પ્રસંગે યુવાઓને સંબોધતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, “વંદે માતરમ યુવા ઉદ્ઘોષ” માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર દેશના યુવાનોને રાષ્ટ્રભાવના અને એકતાના તાંતણે જોડવાનો એક રાષ્ટ્રવ્યાપી પ્રયાસ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના પ્રવાસ દરમિયાન યુવાનોમાં જોવા મળેલો અપ્રતિમ રાષ્ટ્રપ્રેમ અને ઊર્જા ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.
ત્રીજા દિવસે યોજાયેલા સમાપન સમારોહમાં ભાજપના અગ્રણીઓમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ, અમદાવાદ શહેર યુવા મોરચાના અધ્યક્ષ કેતુભાઈ પટેલ, અમદાવાદ શહેર સંગઠનના મંત્રી તથા યુવા મોરચાના પ્રભારી હેમંતભાઈ મઘરે, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તથા અમદાવાદ શહેર યુવા મોરચાના પ્રભારી સચીનભાઈ પ્રજાપતિ, તેમજ ગુજરાત યુવા મોરચાના ઉપાધ્યક્ષ કુલદીપભાઈ બારોટ સહિત સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
ત્રણ દિવસીય અભિયાનની શરૂઆત 31 ઓગસ્ટે થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 300થી વધુ નગર પ્રાથમિક શાળાઓના 41 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સવારે 8:30 કલાકે એકસાથે વંદે માતરમનું ગાન કર્યું હતું. 1 સપ્ટેમ્બરે અભિયાનના બીજા દિવસે અમદાવાદની 230થી વધુ ખાનગી શાળાઓના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે વંદે માતરમનું પૂર્ણ ગાન કર્યું હતું.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારીને કારણે અભિયાનને વ્યાપક જનભાગીદારી મળી હતી.શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર અમદાવાદમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.


