અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી શાળામાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ કૃષ્ણલીલા તથા સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કરી સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ભક્તિથી સરાબોર કરી દીધું હતું.
રિપોર્ટ મુજબ, જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે મટકી ફોડ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓએ ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેને ઉપસ્થિત વાલીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વાલીઓની પણ નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.
જન્માષ્ટમીના પાવન પ્રસંગે અંતમાં બાળ કૃષ્ણની પાલના ઝુલાવવાની પરંપરાગત વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ ભક્તિભાવપૂર્વક આરતીમાં ભાગ લીધો હતો. આરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ ભાવભેર સંપન્ન થયો હતો.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ડૉ. અનીતાબેન પટેલ તથા પ્રિન્સિપાલ દીપકભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણ તથા સ્ટાફે સુંદર આયોજન અને સહકાર આપ્યો હતો.


