અમદાવાદ : ગત રવિવારે અમદાવાદમાં સાબરમતી નદી પરના નહેરુબ્રિજ પર એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળેલો આ યુવક બાપુનગર રહે છે અને તે નહેરુબ્રિજ પર આત્મહત્યા કરવા આવ્યો હતો. જો કે બ્રિજની રેલિંગ પર ટીંગાતાં આ યુવકને ત્યાંથી પસાર થતા લોકોએ બચાવી લીધો હતો. વાહનચાલકોએ પોલીસને જાણ કરી યુવકને એલિજબ્રિજ પોલીસને સોંપ્યો હતો.
ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસની મોટી ઝુંબેશ ચાલી રહી છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસે આપેલી હિંમતથી વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યાં છે અને આવા વ્યાજખોરો સામે ફરિયાદ લખાવી રહ્યાં છે. રાજ્યના શહેરોમાં સ્થાનિક પોલીસ કેમ્પ કરી રહી છે અને વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ અને પરિવારોને રજૂઆત કરવાની તક આપી રહી છે, જેને પરિણામે વિવિધ શહેરોમાંથી વ્યાજખોરોના આતંકની ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે.