અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની મેચો અને ઉનાળુ વેકેશન મેટ્રો રેલ કોર્પોરેશનને ફળ્યું છે. જેમાં શહેરના મેટ્રો રેલના બંને કોરીડોરમાં મુસાફરોની સંખ્યામાં અન્ય મહિનાની સરખામણીએ વધારો થયો છે. જેમાં મે માસમાં મુસાફરોની સંખ્યા 20 લાખને પાર પહોંચી છે. એટલે કે એપ્રિલની સરખામણીએ મે મહિનામાં મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં 22 ટકાનો વધારો નોંધાયો છે. મહત્ત્વનું છે કે અમદાવાદમાં આઇપીએલની કુલ 10 પૈકી રિઝર્વ ડે સાથે 6 મેચ ફકત મે મહિનામાં જ રમાઈ હોવાથી મેટ્રોમાં પેસેન્જરોમાં વધારો થયો છે.
અમદાવાદમાં આઇપીએલની કુલ 10 પૈકી રિઝર્વ ડે સાથે 6 મેચ ફકત મે મહિનામાં જ રમાઈ હોવાથી મેટ્રોમાં પેસેન્જરોમાં વધારો થયો છે જ્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ફાઇનલ હતી. ત્યારે રવિવારે અમદાવાદ મેટ્રોમાં રેકોર્ડ 1,07,552 મુસાફરોએ પ્રવાસ કર્યો . અમદાવાદ મેટ્રોએ તેનો અત્યાર સુધીનો સૌથી વધુ સિંગલ-ડે ફૂટફોલ રેકોર્ડ કર્યો હતો.જ્યારે શહેરમાં ભારે વરસાદના કારણે મેચ સોમવાર રમાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2023ની IPL ક્રિકેટ મેચોએ અમદાવાદ મેટ્રોની દૈનિક મુસાફરીમાં લગભગ 80 ટકાનો વધારો કર્યો હતો.
અમદાવાદ શહેરમાં હાલ સફળતાપૂર્વક સંચાલિત મેટ્રો ટ્રેન સેવાનો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસી વાસણાથી મોટેરા સુધી ચાલી રહેલી મેટ્રો ટ્રેન સેવા થલતેજ ગામ સુધી લંબાવવા માટે કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત આ વર્ષના અંત સુધીમાં શહેરમાં ત્રણ નવા સ્ટેશનો મેટ્રો નેટવર્કમાં ઉમેરવામાં આવે તેવી શકયતા છે.