અમદાવાદ : અમદાવાદમાં સતત બીજા દિવસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના શાહપુર બાદ નિકોલમાં નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જાણવા મળ્યું છે કે, કારચાલકે મહિલા અને છોકરાને ટક્કર મારી હતી, જે બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.પોલીસે આ મામલે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુવારે શહેરના પૂર્વ વિસ્તાર નિકોલમાં પૂરપાટ ઝડપે આવતી કારે એક મહિલા અને છોકરાને અડફેટે લીધા હતા. પરિણામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બન્ને લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી દારૂની બોટલ અને કેક મળી આવી છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં અવાર નવાર અકસ્માતોની ઘટના ઘટતી રહે છે. ત્યારે સતત બીજા દિવસે વધુ એક હિટ એન્ડ રનની ઘટનાથી પોલીસ એક્ટીવ થઇ ગઈ છે. આ અગાઉ શાહપુર વિસ્તારમાં પણ કારચાલકે દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનસ્થળે મોત થયું હતું અને પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.