અમદાવાદ: ગુજરાત પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. જે પોલીસ લોકોની સુરક્ષા કરે છે, તણાવમાં રહેલા લોકોને કાઉન્સેલીંગ કરી તેમને માનસીક તણાવમાંથી દુર કરતાં હોય છે તે જ પોલીસ જીવન ટૂંકાવી રહી છે. જે પોલીસ માટે એક ચિંતાજનક સમાચાર છે. થોડા દિવસ પહેલા એક મહીલા પોલીસે પણ આત્મહત્યા કરી હતી. જેના પડધા હજુ સમ્યા નથી તેવામાં અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદનાં રામોલ વિસ્તારમાં રહેતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણ લકુમ દ્વારા પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ કિરણ લકુમે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો.મૃતક દ્વારા આપઘાત કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે.
મૃતક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પીસીઆર 1 માં ફરજ બજાવતો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.