અમદાવાદ : અમદાવાદ શહેરમાં અવનવી તરકીબો અજમાવીને લોકોને છેતરવાની અને ઘરમાંથી ચોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ચોર મહિલાઓની ગેંગ સક્રિય થઈ ગઈ છે. સોનીની દુકાનમાં જઈને દાગીના ચોરતી ગેંગની જેમ હવે આ ગેંગ પણ પાણી પીવાના નામે લૂંટ ચલાવી રહી છે. વસ્ત્રાલ વિસ્તારમાં નણંદ અને ભાભીને બેભાન કરીને ઘરમાંથી લૂંટ ચલાવવાનો મામલો સામે આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સહજાનંદ બંગલોમાં રહેતા અસ્મિતા ગોહિલ પોતાની નણંદ દીપિકા સાથે ઘરે હતા. ત્યારે 2 મહિલાઓ બ્યુટી પાર્લરની ઇન્કવાયરી કરવા તેમના ઘરે આવી. ત્યાર બાદ પાણી પીવા માટે માગ્યું હતું. જેથી અસ્મિતાબેન પાણી લેવા ગયા અને ગ્લાસ મહિલાઓને આપ્યા બાદ ભાભી અને નણંદ બેભાન થઈ ગયા. આ મહિલાઓએ તેમના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને પર્સમાંથી 2500 રૂપિયા રોકડ લઈને ફરાર થઇ ગઇ હતી. 3 કલાક બાદ ભાભી અને નણંદ ભાનમાં આવ્યા ત્યારે તેમની સાથે લૂંટ થઈ હોવાનું જાણવા મળતા રામોલ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો.
લૂંટ ચલાવનાર શંકાસ્પદ મહિલાઓ CCTV માં થઈ કેદ થઇ છે. નણંદ અને ભાભીને જયારે હોશ આવ્યો ત્યારે કાનની બુટ્ટી સહિત ઘરમાંથી રોકડ ગાયબ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. વસ્ત્રાલ પોલીસે સીસીટીવીને આધારે અને ભોગ બનનાર મહિલાઓના નિવેદન લઈને લૂંટ કરનાર મહિલાઓની શોધખોળ શરૂ કરાઈ છે.
વસ્ત્રાલમાં બનેલી ઘટનાથી તમામ લોકોએ બોધપાઠ લેવા જેવો છે, કોઈ અજાણી મહિલાને ઘરમાં બોલાવતા પહેલા ચેતી જજો. આ મહિલાઓ તમારા ઘરની તીજોરી સાફ કરીને રફુચક્કર થઈ જશે અને પાડોશીને પણ ગંધ નહીં આવે.