અમદાવાદ : અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ પર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જેના પગલે તેને હાઈકોર્ટમાંથી પણ ઝટકો મળ્યો છે.જેથી હવે તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ કાર અકસ્માત કેસને લઈને આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી આ મામલે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે બંન્ને પક્ષના વકીલોની ધારદાર દલીલો સાંભળીને કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. જામીન અરજી ફગાવાતા તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નહીં મળતા હવે તે સુપ્રિમ કોર્ટના શરણે જઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ગત 10 ઓગસ્ટની રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.