અમદાવાદ: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કુલો શિક્ષણ વ્યવસ્થાની પીજીઆઈ એટલે કે પર્ફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડેક્સ જાહેર કર્યો હતો. અને તેમાં ગુજરાતને એ પ્લસ ગ્રેડ અપાયો હતો. પણ જ્યાં લાયકાત વિનાના શિક્ષકો જ અભ્યાસ કરાવતા હોય ત્યાં બાળકો કેવી રીતે આગળ વધી શકે. અમદાવાદમાં 88 શાળાઓમાં 348 શિક્ષકો લાયકાત વિનાના ફરજ બજાવતા હોવાનો સ્વીકાર ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન થયો છે. જેમને બાળકોનો અભ્યાસ ન બગાડે તે માટે ચાલુ શૈક્ષણિક સત્ર બાદ લાયકાત વગરના શિક્ષકોને હટાવવાની સરકારે ખાતરી આપી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન અમદાવાદ જિલ્લામાં લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાનો ખુલાસો થયો છે. વિધાનસભા ગૃહમાં સરકારના લેખિત જવાબમાં ખુલાસો થયો છે. અમદાવાદ જિલ્લામાં 88 જેટલી શાળામાં 348 શિક્ષકો લાયકાત વગર ફરજ બજાવી રહ્યા છે. આ માટે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સવાલમાં સરકારે જવાબ રજૂ કરવામાં ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ શહેરની 47 શાળામાં 219 શિક્ષકો લાયકાત વગરના ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી છે. જ્યારે દસક્રોઈ તાલુકાની 7 શાળામાં લાયકાત વગરના 15 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ જીલ્લાની આણંદ તાલુકાની 3 શાળામાં 3 અને ધોળકા તાલુકાની 6 શાળામાં 10 લાયકાત વગરના શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ધંધુકા તાલુકાની 17 શાળામાં 37 અને બાવળા તાલુકાની 6 શાળામાં 25 શિક્ષકો લાયકાત વગરના તેમજ વિરમગામ તાલુકાની 17 શાળામાં 36 અને માંડલ તાલુકાની 2 શાળામાં 3 શિક્ષકો લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે.