અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિકના ઓપરેશન બાદ બે દર્દીઓના મોત નિપજ્યા છે, અને પાંચ દર્દી ગંભીર છે. કારણ વગર દર્દીઓનો ઓપરેશન કરીને PMJAY યોજનાનો લાભ લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેગમાં રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે કે, PMJAY યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓએ હૅમોડાયલિસિસની સારવાર લીધી છે. જે બાદ વિવિધ મેડિકલ પૅકેજ અને કૉરોનરી ઍન્જિયોગ્રાફી આવે છે. ત્યારે ગુજરાતમાં થતી આવી સારવાર પર ફરી એકવાર સવાલો પેદા થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 2023માં કૅગ દ્વારા PMJAY યોજનાનો ઑડિટ રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં આ યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિઓ તરફ ઑડિટરે ધ્યાન દોર્યું છે. ઑડિટ રીપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં પણ આ યોજનાના અમલીકરણ માટે અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. જેમકે, આ યોજનામાં સૂચિબદ્ધ હૉસ્પિટલમાંથી ઘણી હૉસ્પિટલોએ એક અથવા બીજી રીતે ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું. ગેરરીતિ બદલ આ હૉસ્પિટલોને દંડ પણ થયો હતો.રીપોર્ટ પ્રમાણે નવેમ્બર 2022 સુધીની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ રૂ. 3507.72 કરોડની સહાય ચુકવાઈ છે, જેમાં 14 લાખ 12 હજાર 311 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આ સમય સુધી 533.79 રૂપિયા અને 118673 કેસની સહાય ચુકવવાની બાકી હતી.
જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઑડિટર્સે ગુજરાતની અલગઅલગ 50 હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે હૉસ્પિટલોએ ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે.ઑડિટ રીપોર્ટ પ્રમાણે આ 50 હૉસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગઅલગ તારીખોમાં 5217 દરદીઓ સારવાર લઈ રહ્યા હતા. દાખલા તરીકે સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલની 8મી માર્ચ 2021ના દિવસે જ્યારે ઑડિટર્સે સુરેન્દ્રનગરની એક ખાનગી હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ત્યાં ઉપલબ્ધ 34 બૅડની સામે 97 દરદીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા.
ગુજરાતમાં PMJAY યોજનાના એવાં કેસ કે જેમાં દર્દીઓ એક જ સમયે કાગળ ઉપર એકથી વધુ હૉસ્પિટલમાં દાખલ હોય તેવા દેશભરના કુલ 78,396 કેસમાંથી લગભગ 27 ટકા એટલે કે 21,514 માત્ર ગુજરાતમાં છે. ઑડિટરની આ નોંધ સામે નેશનલ હેલ્થ ઑથૉરિટી (NHA)એ પોતાનો જવાબ આપતા કહ્યું હતું કે આ માટેના કારણોમાં ડાયાલિસીસ, કિમોથેરાપી, કેટરેક્ટ જેવા ડે કેર ટ્રીટમેન્ટના દરદીઓ છે. જોકે ઑડિટરના આ આંકડામાં ડે-કેર દર્દીઓનો સમાવેશ થતો નથી.કૅગ રીપોર્ટમાં નોંધાયું છે કે ગુજરાતમાં 302 વિવિધ હૉસ્પિટલ્સમાં દેશમાં સૌથી વધુ 13,860 દર્દીઓ એવાં હતા કે જેમનું ઍડમિશન એક જ સમય દરમિયાન એક થી વધુ હૉસ્પિટલમાં નજરે પડ્યું હતું. 13,860 દરદીઓમાં 8,424 પુરુષ અને 5,436 મહીલા છે.
CAG રિપોર્ટ શું કહે છે…
આ યોજના અંતર્ગત દર્દીને કે તેનાં સગાંને તો ક્યારેય ખબર પડતી જ નથી કે ખરેખર સરકારે તેમના માટે કુલ કેટલી રકમ જે-તે હૉસ્પિટલને ચૂકવી છે.હું માનું છું કે એક તરફ જો આખી પ્રક્રીયા ઓનલાઇન હોય, અને તેમ છતાંય આ પ્રકારની ગેરરીતિ સામે આવી હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે આ આખી પ્રક્રીયામાં સરકારી તંત્ર, કે જે દર્દીની સારવારને માન્યતા આપે છે, તે લોકો ક્યાંક આમાં સામેલ હોઈ શકે.
સામાન્ય રીતે કોઈ પણ લાભાર્થીની તમામ વિગત, તેની ટ્રીટમેન્ટ, કેવી દવા આપવામાં આવી રહી છે, કઈ સર્જરી થઈ છે, તેને કઈ-કઈ દવાની જરૂર પડી શકે, તે તમામ વિગત PMJAYના અધિકારીઓ સુધી પહોંચે છે.હું માનું છું કે આ વિગતો ત્યારબાદ અમુક અધિકારીઓની સાંઠગાંઠવાળી બીજી હૉસ્પીટલને આપવામાં આવે છે અને ત્યાં પણ તે જ પ્રકારની ટ્રીટમેન્ટ વગેરે બતાવીને તે જ સમય દરમિયાન તે દરદીનાં બિલ મૂકીને તે હૉસ્પિટલ પણ આ રકમ ચાર્જ કરી લેતી હોય છે. આ આખી પ્રક્રીયા સરકારી અધિકારીઓ અને હૉસ્પિટલની સાંઠગાંઠ વગર શક્ય નથી.