અમદાવાદ : અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા. સ્ટેન્ટ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે, કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ટ મૂકી દેવાયા છે. ખ્યાતિ હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાંખ્યા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઘટનાની જાણ થતા જ હૉસ્પિટલ દોડી આવ્યા હતા.બે દર્દીઓના મોત બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ જવાબદેહી ન મળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવી હતી.નીતિન પટેલે સવાલ ઉઠાવતા કહ્યું કે, યુએન મહેતા જેવી હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની મંજૂરી લેવી પડે અને આમને તો તરત જ મંજૂરી મળી ગઇ હતી.તમને યાદ હશે PMJAY માટે કેટલા ફોન કરવા પડે છે. મોટું ઓપરેશન હોય તો મંજૂરી મળવામાં સમય લાગતો હોય છે.
મહેસાણાના કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.
આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, ‘અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.’