અમદાવાદ: રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી સમયમાં ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકો માટે રમત-ગમતના વિવિધ સાધનો સાથેની કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. કુલ રૂ. ૨૯.૪૫ કરોડથી વધુના ખર્ચે આપવામાં આવનાર આ સ્પોર્ટ્સ કીટમાં બાળકો માટે ૩૦ પ્રકારના રમત-ગમતના સાધાનો આપવામાં આવશે.
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર આ સ્પોર્ટ્સ કીટ શાળા દીઠ તૈયાર કરી, રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં ઝોન-1માં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ઝોન-૨માં અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, ઝોન-3 માં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર–સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા, ઝોન-4 માં આણંદ, છોટા-ઉદેપૂર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ તેમજ ઝોન-5 માં ભરૂચ, નર્મદા, નવસારી, સૂરત, સૂરત મહાનગરપાલિકા, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા મહાનગરપાલિકા અને વલસાડ જિલ્લામાં મળીને કુલ 34,400 થી વધુ સ્પોર્ટ્સ કીટો ફાળવવામાં આવશે.
આ અગાઉ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા વર્ષ-2022માં તમામ સરકારી સ્કૂલોને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. આ વખતે સરકારી શાળાઓમાં સીધી સ્પોર્ટ્સ કીટ જ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને આપવામાં આવનાર સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ, અલગ અલગ સાઈઝના ક્રિકેટ બેટ, બેડમિન્ટન, શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.