ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે, જેના મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. મતદાર યાદી શુદ્ધિકરણ (SIR) ની કામગીરી હજુ માંડ પૂરી થઈ છે ત્યાં જ શિક્ષણ નિયામક દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, હવે શિક્ષકોએ પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનોની ગણતરી કરીને સચોટ માહિતી આપવી પડશે. આ નિર્ણયને પગલે શૈક્ષણિક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નાયબ શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં રખડતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. આ માર્ગદર્શિકાના પાલન માટે શાળાઓના કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારમાં શ્વાનોના સર્વે કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે.

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ શિક્ષણ વિભાગની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં 40,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં કાર્યરત શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની 60 થી વધુ પ્રકારની કામગીરી લેવામાં આવતી હોવાથી શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે.
અગાઉ તીડ ભગાડવા, શૌચાલય ગણવા અને સસ્તા અનાજની દુકાને લાઈનો કરાવવા જેવી બિનશૈક્ષણિક કામગીરી બાદ હવે પરીક્ષાના સમયે જ શ્વાનોની ગણતરીનો ભાર સોંપાતા શિક્ષકો માનસિક તાણ અનુભવી રહ્યા છે, જેના કારણે એક સમયે દેશમાં અગ્રેસર રહેલું ગુજરાતનું શિક્ષણ આજે 19મા કે 21મા ક્રમે ધકેલાઈ ગયું છે.
બીજી તરફ, આ વિવાદ અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટતા કરી છે કે, આ આદેશ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લેવાયો છે. તેમણે કહ્યું કે, “શિક્ષકોએ ક્યાંય ગામમાં સર્વે કરવા જવાનું નથી, માત્ર શૈક્ષણિક સંકુલના વિસ્તારમાં જ આ માહિતી એકઠી કરવાની છે. આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા માટે છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.”


