અમદાવાદ: અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા આયોજિત AMA પ્રીમિયર લીગ 2026 ઉત્સાહ, રમતિયાળ ભાવના અને ડોક્ટરો વચ્ચેના સ્નેહસભર વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટે ફરી એકવાર સાબિત કર્યું કે ડોક્ટરો માત્ર સ્ટેથોસ્કોપ અને સારવાર સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ “સ્ટેથોસ્કોપની બહાર પણ” વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા આયોજિત AMA પ્રીમિયર લીગ 2026 ટુર્નામેન્ટમાં પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં કુલ 32 ટીમોએ ભાગ લીધો, જે AMA માટે અત્યાર સુધીની સૌથી મોટી સ્પર્ધાઓમાંની એક રહી. આ વર્ષે પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં 3 ટીમોએ ભાગ લીધો, જે મહિલા ડોક્ટરોને રમતગમતમાં પ્રોત્સાહન આપવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.ડોક્ટરોની વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢી, ખેલદિલી અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં પુરુષોની શ્રેણીમાં ‘અપુર્વા એવેન્જર્સ’ અને પ્રથમ વખત યોજાયેલી મહિલા શ્રેણીમાં ‘સુપર શક્તિ સ્ટ્રાઈકર્સ’ ચેમ્પિયન બન્યા છે.

આ વર્ષની AMA પ્રીમિયર લીગમાં અનેક નવા માઇલસ્ટોન નોંધાયા. પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, પુરુષોમાં 32 ટીમોની રેકોર્ડ ભાગીદારી જોવા મળી, અને ટુર્નામેન્ટ ચાર રાઉન્ડમાં યોજાઈ, જેમાંથી એક રાઉન્ડ પ્રથમ વખત પૂર્વ અમદાવાદમાં યોજાયો.ટુર્નામેન્ટની ફાઇનલ અને એવોર્ડ સેરેમની દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અનેક વરીષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમણે ખેલાડીઓને અભિનંદન આપ્યા અને આયોજનની પ્રશંસા કરી.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જિગ્નેશ શાહએ જણાવ્યું હતું કે AMA પ્રીમિયર લીગ ડોક્ટરો વચ્ચે એકતા, સ્વસ્થ જીવનશૈલી અને ટીમ સ્પિરિટને મજબૂત બનાવે છે અને AMA ના “સ્ટેથોસ્કોપની બહાર”ના થીમને સાચી રીતે પ્રતિબિંબિત કરે છે.ડૉ. મૌલિક શેઠએ જણાવ્યું હતું કે, “AMA પ્રીમિયર લીગમાં જોવા મળેલો ઉત્સાહ અને ભાગીદારી દર્શાવે છે કે ડોક્ટરો ટીમવર્ક, ફિટનેસ અને મિત્રતાને ખૂબ મહત્વ આપે છે. આવી પ્રવૃત્તિઓ મેડિકલ ફ્રેટર્નિટી વચ્ચે સારા સંબંધો મજબૂત બનાવે છે અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.”

આ આયોજને સાબિત કરી દીધું છે કે અમદાવાદના ડોક્ટરો સારવારની સાથે સાથે ખેલ જગતમાં પણ સમાન પ્રભુત્વ ધરાવે છે. ટુર્નામેન્ટનું સમાપન ટ્રોફી વિતરણ સમારોહ સાથે થયું, જેમાં વિજેતા ટીમોને સન્માનિત કરવામાં આવી અને તમામ ખેલાડીઓના ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.
AMA પ્રીમિયર લીગ 2026 ટુર્નામેન્ટની મુખ્ય વિશેષતાઓ:
પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
આ વર્ષે પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ટુર્નામેન્ટ ચાર રાઉન્ડમાં રમાઈ હતી, જેમાં પ્રથમ વખત એક રાઉન્ડનું આયોજન પૂર્વ અમદાવાદ વિસ્તારમાં કરીને રમતનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.


