અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા અખબારનગર ફ્લેટમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે મોટો વિવાદ સર્જાયો છે.સોસાયટીમાં કાર પર ફટાકડાથી નુકસાન થવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ ગાળાગાળી અને મારામારી સુધી પહોંચ્યો હોવાના આક્ષેપ થયા છે. આ મામલે સોસાયટીના રહીશો અને મહિલા PSIએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બંને પક્ષે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
સોસાયટીના રહીશો અને હોદ્દેદારોએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, ગાંધીનગર CID ક્રાઇમ રેલવેમાં ફરજ બજાવતાં PSI કલ્પનાબેન ચુડાસમા સાથે ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો. એક રહીશે નુકસાનની ભરપાઈ કરવાની બાંહેધરી પણ આપી હતી. જોકે, ત્યારબાદ PSI સોસાયટીની ઓફિસમાં પહોંચ્યાં હતાં અને હોદ્દેદારો સાથે ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત મહિલા રહીશો સાથે ઝપાઝપી અને મારામારી કરી હોવાની પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.
મહિલા PSIના આક્ષેપ મુજબ, ફટાકડા ફોડવા દરમિયાન તેમની કારના કાચ તૂટી ગયા હતા અને કારને નુકસાન થયું હતું. આ બાબતે થયેલા વિવાદ બાદ કોર્પોરેટર વિરાટ પુરોહિત અને તેમના સાથીદારો તેમના ઘરે પહોંચ્યા હતા. તે સમયે તેઓ પોતાની દીકરી સાથે ઘરે એકલાં હાજર હતાં. મહિલા PSIનો આરોપ છે કે આ દરમિયાન તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. આ મામલે તેમણે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ ભાજપના કોર્પોરેટર વિરાટ પુરોહિતે મહિલા PSI દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા છે. તેમનો દાવો છે કે, જ્યારે ઝઘડો થયો, ત્યારે તેઓ ઘટનાસ્થળે હાજર નહોતા. તેઓ માત્ર બંને પક્ષોને સમજાવવા માટે ત્યાં ગયા હતા. આમ, સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા અલગ-અલગ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ મામલે વાડજ પોલીસ સ્ટેશનના PSI દીપક બાબુલાલ દ્વારા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં કલ્પનાબેન રાજેન્દ્રભાઈ જેઠવા અને રૂક્ષિકાબેન રાજેન્દ્રભાઈ જેઠવાને ઈજા થઈ હોવાનો ઉલ્લેખ કરીને તેમની સારવાર કરી મેડિકલ સર્ટિફિકેટ આપવા વિનંતી કરવામાં આવી હતી.
એક તરફ મહિલા PSI દ્વારા ઘરે આવીને ઝપાઝપી અને ગેરવર્તણૂક કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે, બીજી તરફ કોર્પોરેટર દ્વારા આ આક્ષેપો નકારી કાઢવામાં આવ્યા છે. બંને પક્ષે સામસામે અરજીઓ થતાં હવે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે. ખાસ કરીને CCTV ફૂટેજ, મેડિકલ રિપોર્ટ અને બંને પક્ષની રજૂઆતોના આધારે સમગ્ર ઘટનાની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે. હાલ આક્ષેપો અને દાવાઓ વચ્ચે નવા વાડજનો આ વિવાદ અમદાવાદના રાજકીય વર્તુળો અને પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.


