અમદાવાદ : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની વચ્ચે ગેસની અછત સર્જાઈ છે, ત્યારે અમદાવાદમાંથી વધુ એક ગેસના કાળાબજારનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આનંદનગર પોલીસે વ્રજનગરી ઔડા આવાસ પાસે જાહેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા એક શખસને ઝડપી પાડી કુલ 1.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આનંદનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વ્રજનગરી ઔડા આવાસ યોજનામાં બે લોડીંગ રિક્ષા રાખીને ગેસની બોટલમાંથી ગેસની હેરફેર કરતો મહેશ ચૌહાણ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. મહેશ ચૌહાણ પાસેથી 55 ડોમેસ્ટિક ગેસની બોટલ અને 10 કોમર્શિયલ ગેસની બોટલ મળી આવી હતી. મહેશ સાથે અન્ય 3 શ્રમિકો પણ મળી આવ્યા હતા.
પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મહેશ ચૌહાણ ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને વિતરણ કરવા માટે નીકળેલી બોટલોમાંથી ગેસની ચોરી કરતો હતો. તે ભરેલા સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી બાટલાઓમાં ભરીને તેને બારોબાર ઊંચા ભાવે વેચી દેવાનું કૌભાંડ આચરતો હતો.આનંદનગર પોલીસે મહેશ સામે ગુનો નોંધી 65 ગેસની બોટલ, વજન કાંટો, લોડીંગ રિક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હાલમાં ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે આવા સમયે કાળાબજારિયાઓ સક્રિય થયા છે. આરોપી ગ્રાહકોને પૂરો ગેસ આપવાને બદલે રસ્તામાં જ ગેસ કાઢી લેતો હતો, જેનાથી ગ્રાહકોને આર્થિક નુકસાનની સાથે જોખમ પણ રહેતું હતું. હાલ પોલીસે આરોપી મહેશ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


