અમદાવાદ: શહેરના પોશ ગણાતા નારણપુરા વિસ્તારમાં આવેલા પ્રાઇમ લોકેશનના ‘શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટ‘માં રીડેવલપમેન્ટની પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાઈ છે. 100 ફ્લેટ અને 63 કોમર્શિયલ દુકાનો ધરાવતી આ સોસાયટીમાં રહેણાંક વિસ્તારના રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, જ્યારે મુઠ્ઠીભર દુકાનદારોના વિરોધને કારણે સમગ્ર પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, 100 જેટલા ફ્લેટોની હાલત અત્યંત બિસ્માર છે. પાણીની ટાંકીઓ, સીડીઓ અને ધાબાના હિસ્સાઓ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. ચોંકાવનારી વાત એ છે કે દર સપ્તાહે બાંધકામનો કોઈને કોઈ હિસ્સો તૂટી રહ્યો છે. તાજેતરમાં જ એક ફ્લેટમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આગામી ચોમાસાને જાેતા રહીશોમાં ભારે ફાળ પડી છે કે જાે સમયસર કોઈ ર્નિણય નહીં લેવાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટ માટે 10-10-2022 ના રોજ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 28-03-2023 ના રોજ વર્ક ઓર્ડર (LOA) પણ આપી દેવામાં આવ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, 100 ફ્લેટોમાંથી મોટાભાગના રહીશો રીડેવલપમેન્ટ માટે તૈયાર છે, પરંતુ આશરે બે-પાંચ દુકાનદારો વિરોધ કરી રહ્યા છે. આ દુકાનો દ્વારા 15 થી 20 ફૂટ જેટલું ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાનું પણ રહેવાસીઓનો આક્ષેપ છે.
દુકાનદારોની માંગ મુજબ, તેમને 25 ટકાના બદલે 50 ટકા વધારાનો લાભ આપવામાં આવે અથવા સેલ્ફ રીડેવલપમેન્ટનો વિકલ્પ અપાય. બીજી તરફ, હાલ દુકાનોનું માસિક ભાડું રૂ. 15 હજારથી 30 હજાર સુધી હોવાનું કહેવાય છે, જ્યારે ડેવલપર દ્વારા ફૂટદીઠ રૂ. 200 પ્રમાણે રૂ. 45 હજારથી 50 હજાર સુધીના માસિક ભાડાની ઓફર આપવામાં આવી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.છતાંય દુકાનદારો રીડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યાં છે.
સોસાયટીના રહીશોમાં એવી પણ ચર્ચા છે કે વિરોધ કરી રહેલા દુકાનદારો દ્વારા ? 25 લાખની ગિફ્ટ મનીની માંગણી કરવામાં આવી રહી છે. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે આ કોમર્શિયલ ધારકો જાણીજાેઈને રીડેવલપમેન્ટની પ્રક્રિયાને આગામી પાંચ વર્ષ સુધી લટકાવી રાખવા માંગે છે. જાેકે, 60 માંથી 30 દુકાનદારો રીડેવલપમેન્ટ માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.
એપાર્ટમેન્ટના રહેવાસીઓએ ચોમાસા પહેલાં રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે દર સપ્તાહે બિલ્ડિંગના જર્જરિત ભાગો તૂટી રહ્યા છે, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. જાે સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પણ સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે.
શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહીની સ્થાનિકોની માંગ
અમદાવાદ : એક તરફ સરકાર, મ્યુ તંત્ર અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ચોમાસા પહેલા ભયજનક મકાનો ઉતારી લેવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ નારણપુરાના આ શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટમાં અંગત સ્વાર્થ અને જટિલ માંગણીઓને કારણે 100 પરિવારોના જીવ જાેખમમાં મૂકાયા છે. સ્થાનિકોની માગ મુજબ, શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટનો વિરોધ કરનાર ગેરકાયદે બાંધકામ કરનાર દુકાનદારો છે. સરકાર અને તંત્ર જયાં સુધી ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાયદાનો કોરડો વીંઝશે નહીં ત્યાં સુધી રીડેવલપમેન્ટ થવુ શક્ય નથી. હવે જાેવાનું એ રહેશે કે સરકારી તંત્ર આ મામલે મધ્યસ્થી કરીને રહીશોને ક્યારે ન્યાય અપાવે છે.


