અમદાવાદ : અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવીને ખોટા દસ્તાવેજ બનાવવા અને તેનો અસલી તરીકે ઉપયોગ કરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.
રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર પોલીસને મળેલી બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી સચીન નવીન સિંહા (ઉ.વ. 40), રહેવાસી વૈશાલી સેક્ટર-6, ગાઝિયાબાદ (દિલ્હી) અને મૂળ વતની પટના (બિહાર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. તેની ધરપકડ સાથે પોલીસને કેસની વધુ તપાસમાં મહત્વની કડીઓ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી. પુરોહિત, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમરાજ પ્રકાશચંદ્ર, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કમલેશકુમાર ભરતભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ યોગીતાબેન પુનાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડી કાયદો અને વ્યવસ્થા જાળવવા દિશામાં નોંધપાત્ર કામગીરી કરી હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.


